માંગરોળમાં પિતાએ સ્માર્ટ ફોન ન લઇ દેતા યુવાનનો આપઘાત

રાજકોટ,

આજકાલના બાળકોને જીભ અને પગ પછી આવે છે, પરંતુ મોબાઇલ ચલાવતા તો જાણે જન્મથી જ શીખીને આવે છે.ફોનમાં ગીતો કેવી રીતે વગાડવા, વિડીયો કેવી રીતે મૂકવા કે નાચતા-ગાતા લોકોની રીલ્સ ક્યાં જોવી તે પણ બાળકો શીખી લે છે.

પહેલી નજરમાં તો એવું લાગે છે કે વાહ, આપણા બાળકે આ નાની ઉંમરે જ ટેક્નોલોજીમાં મજબૂત પકડ બનાવી લીધી છે.પરંતુ માતાપિતાની મુશ્કેલીઓ ત્યારે શરૂ થાય છે.જ્યારે બાળક આખો દિવસ મોબાઇલ સાથે વળગી રહે છે અને જ્યારે તેને મોબાઇલ બંધ કરવાનું કહેવામાં આવે છે અથવા તેની પાસેથી છીનવી લેવામાં આવે છે, ત્યારે તે રડવાનું શરૂ કરી દે છે અથવા આત્મઘાતી પગલું ભરતા પણ ખચકાતા નથી. ત્યારે આવો જ એક બનાવ માંગરોળ ના કારજ ગામે બન્યો છે.

સ્માર્ટફોન લેવાની જીદે ચડેલા યુવકને તેમના પિતાએ હાલ પરિસ્થિતિ ખરાબ હોવાનું અને થોડા દિવસ પછી મોબાઈલ લઈ આપવાનું કહેતા યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો.યુવકના મૃત્યુથી કોળી પરિવારમાં શોક છવાયો છે. વધુ વિગતો મુજબ,કારજ ગામે રહેતા કૌશિક કરશનભાઈ મોકરીયા(કોળી) નામના ૧૯ વર્ષીય યુવકે ગઇ તા.૨૧/૨ ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સૌપ્રથમ સારવાર માટે કેશોદ ની હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેમનું મૃત્યુ નીપજતા કોળી પરિવારમાં શોક છવાયો છે.કૌશિક કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તેમના પિતા કરશનભાઈ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે મૃતક પોતે બે ભાઈ માં મોટો હતો. કૌશિક ના પિતા કરશનભાઈ એ જણાવ્યું હતું કે, પુત્ર કૌશિક ને સ્માર્ટફોન લેવો હતો પરંતુ હાલ અમારી પરિસ્થિતિ ખરાબ હતી અને તેમને કહ્યું હતું કે થોડા દિવસ બાદ ખેતરનો પાક વેચાય પૈસા આવે બાદમાં તને ફોન લઈ આપીશ પરંતુ ધીરજ રાખવાને બદલે પુત્ર કૌશિકે આત્મઘાતી પગલું ભરી લીધું હતું.