મુંબઇ, પ્રકાશ રાજ તેની ટ્વીટ અને સરકાર વિરુદ્ધ પોતાના વિચારોને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. લોક્સભા ચૂંટણી પહેલા તેના સંબંધિત એક એવું ટ્વીટ વાયરલ થયું કે બધા ચોંકી ગયા. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે પ્રકાશ રાજ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. તેમાં જોડાવાના સમયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ટ્વીટનો પ્રકાશ રાજે પોતાના અંદાજમાં જવાબ આપ્યો છે.
ટ્વીટર પર એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. ધ સ્કિન ડોક્ટર નામના એકાઉન્ટમાંથી એક પોસ્ટ લખવામાં આવી હતી પ્રકાશ રાજ ૩ વાગ્યે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જશે. હવે આનો સ્ક્રીનશોટ લઈને પ્રકાશ રાજે પણ ટ્વીટ કરીને ભાજપને કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું કે, ‘મને લાગે છે કે તેમણે પ્રયત્ન કર્યો, પરંતુ તેમને ખ્યાલ આવી ગયો હશે કે તેઓ એટલા અમીર નથી કે મને ખરીદી શકે તમે શું વિચારો છો મિત્રો’.
પ્રકાશ રાજના ટ્વીટ પર લોકોની અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક યૂઝર્સે પૂછ્યું કે, શું તેમણે પ્રયાસ કર્યો હતો? તો અન્ય યુઝરે લખ્યું- સર સમયનું કંઈ ન કહેવાય, કાલે કદાચ તમે પણ પાર્ટીમાં સામેલ થઈ જાઓ. વર્ષોથી ભાજપની નીતિઓ સામે અવાજ ઉઠાવતા અનેક નેતાઓ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. લોક્સભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને અનેક મોટા ઝટકા લાગી ચૂક્યા છે. તાજેતરમાં બોક્સર વિજેન્દ્ર સિંહ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઈ ગયા છે. બીજેપી નેતા વિનોદ તાવડેએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા. તમને જણાવી દઈએ કે તેઓ વર્ષ ૨૦૧૯માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ દક્ષિણ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને રમેશ બિધુડી સામે હારી ગયા હતા.
પ્રકાશ રાજ વારંવાર મોદી સરકારની ટીકા કરે છે. તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તે આવું કેમ કરે છે. પ્રકાશે કહ્યું હતું કે તેમને ગંદી રાજનીતિ પસંદ નથી. કહેવામાં આવ્યું હતું કે સમસ્યા રામ ભક્તોની નથી પરંતુ અંધ ભક્તોની છે. વીડિયોમાં પ્રકાશ રાજે કહ્યું હતું કે મોદીની રાજનીતિ ભાગલા પાડો અને રાજ કરો.