મને ખાતરી નહોતી કે મને સૅમ બહાદુરનો રોલ કરવા મળશે : વિકી કૌશલ

વિકી કૌશલ ‘સૅમ બહાદુર’માં ફીલ્ડ માર્શલ સૅમ માણેકશોના રોલમાં જોવા મળવાનો છે. મેઘના ગુલઝારે બનાવેલી આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ ભારતીય સેનાના ચીફ સૅમ માણેકશોના જીવન પર આધારિત છે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, નીરજ કાબી, સાકિબ અયુબ અને ક્રિશ્નકાંત સિંહ બુંદેલા પણ જોવા મળશે. ગઈ કાલે એનું ટ્રેલર-લૉન્ચ કરવામાં આવ્યું છે. એ દરમ્યાન વિકીએ કહ્યું કે ‘અમે જ્યારે પટિયાલામાં ‘રાઝી’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે મેઘનાએ મને જણાવ્યું કે તે ફીલ્ડ માર્શલ સૅમ માણેકશોના જીવન પર ફિલ્મ બનાવવા માગે છે. એ વખતે મેં તેમની સ્ટોરી સાંભળી, પરંતુ તેઓ કેવા દેખાય છે એ મને ખબર નહોતી. એથી મેં ફોન પર તેમના ફોટો સર્ચ કર્યા અને મેં તેમના ફોટો જ્યારે જોયા તો મને વિચાર આવ્યો તેઓ હૅન્ડસમ છે. મને તો તેમનો રોલ નહીં મળે. જોકે એ વખતે મને વિચાર આવ્યો કે મારી કરીઅરમાં ક્યારેક ને ક્યારેક મને તેમનું પાત્ર ભજવવાની તક મળી જાય. ૨૦૧૯માં મને મેઘનાનો કૉલ આવ્યો અને તેણે ફરીથી ‘સૅમ બહાદુર’ની ફિલ્મ વિશે, તેમના વ્યક્તિત્વ, તેમના પરિવાર, આર્મી અને દરેક બાબતની મને માહિતી આપી. તેણે મને કહ્યું કે તે મને સ્ક્રિપ્ટ આપે છે તો એક વખત વાંચી લે. મેં સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ તેને તરત હા પાડી હતી. મને લાગે છે કે એક ઍક્ટર તરીકે હું પોતાને ખુશનસીબ માનું છું કે તેમની દૃષ્ટિએ મને લાઇફ જોવાની તક મળી. રૉની સ્ક્રૂવાલાનો આભારી છું અને મેઘનાએ મારા પર ભરોસો કર્યો. એક ઍક્ટર તરીકે મેં મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે. ​ફિલ્મની રિલીઝને લઈને હું ખૂબ ઉત્સુક છું.’

વિકી કૌશલની ‘સૅમ બહાદુર’ અને રણબીર કપૂરની ‘ઍનિમલ’ એક જ દિવસે પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એથી બૉક્સ-ઑફિસ પર ભારે ક્લૅશની શક્યતા છે. જોકે બન્ને ફિલ્મોની સ્ટોરી અલગ છે. એથી દર્શકોને એક જ દિવસે અલગ-અલગ ફિલ્મો જોવાની તક મળવી જોઈએ એવું વિકીનું કહેવું છે. ફિલ્મોના ક્લૅશ વિશે વિકીએ કહ્યું કે ‘મને એવું લાગે છે કે એ શુક્રવારે અમે દર્શકોને અમારી ફિલ્મ સોંપવાના છીએ. એ દિવસ અમારા કરતાં દર્શકો માટે મહત્ત્વનો રહેશે. વર્તમાન સમયમાં ઇન્ડસ્ટ્રીએ એક જ દિવસે વધુ ફિલ્મો રિલીઝ કરવી જોઈએ. આવી રીતે આપણી ઇન્ડસ્ટ્રી સમૃદ્ધ બનશે. એક વર્ષમાં ઘણાં અઠવાડિયાં હોય છે. એથી  ઇન્ડસ્ટ્રીએ એક વર્ષમાં અનેક ફિલ્મો બનાવવી જોઈએ. આપણે એવું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ કે એક જ દિવસે મલ્ટિપલ ફિલ્મો રિલીઝ થઈ શકે. આપણી પાસે દર્શકોની સ્ટ્રેંગ્થ છે, એક્ઝિબિટર લેવલ પર સ્ટ્રેંગ્થ છે. એથી કેમ ન બનાવવી જોઈએ? એથી આપણે પોતાની જાતને આગળ ધકેલવી જોઈએ. હાલના સમયમાં દર્શકોમાં ઉત્સાહ છે. તેઓ બન્ને ફિલ્મો સાથે પોતાને કનેક્ટ કરી શકે છે અને બન્ને ફિલ્મો સારી જવાની છે. એથી હું પણ અન્ય લોકોની જેમ ‘ઍનિમલ’ માટે એક્સાઇટેડ છું. વાત દર્શકોની હોય તો અમે પણ તેમના માટે જ કામ કરીએ છીએ.’