મને હતું કે હવે હું પાછી નહીં આવી શકું’, હમાસે બંધક બનાવેલ ૮૫ વર્ષની મહિલાએ વર્ણાવી આપવીતી

હમાસે બંધક બનાવીને કેદમાં રાખેલ અને હવે મુક્ત થયેલી વૃદ્ધ મહિલાએ કહ્યું કે, તેણે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે તે ફરી ક્યારેય હમાસની કેદમાંથી છુટીને ઈઝરાયેલ પરત આવી શકશે. તેમણે જણાવ્યું કે, હમાસની કેદ દરમિયાન તમામ બંધકોને એક સુરંગમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં હમાસના લડવૈયા બંધક બનાવેલા ઈઝરાયેલીઓ અને અન્યોને ભોજનથી લઈને સારવાર સુધીની સંપૂર્ણ કાળજી રાખી રહ્યાં હતા.

‘હું નરકમાંથી પસાર થઈ છું’, આ વાત કહી રહ્યાં છે એક 85 વર્ષીય ઇઝરાયેલી મહિલા. જે હમાસની કેદમાંથી મુક્ત થઈ હતી. 85 વર્ષીય વૃદ્ધ મહિલાનું નામ યોચેવેડ લિફ્સ્કિટ્ઝ છે. જેને ગત 7 ઓક્ટોબરે હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલ પર કરેલા હુમલા દરમિયાન અન્યોની સાથે બંધક બનાવવામાં આવી હતી. હમાસે આ વૃદ્ધ મહિલાને અન્ય એક મહિલાની સાથે મુક્ત કરવામાં આવી છે. ગાઝામાં હમાસની કેદમાંથી બહાર આવ્યા બાદ, વૃદ્ધ મહિલાએ પોતાની આપવીતી સંભળાવી છે.

85 વર્ષીય યોચેવેડ લિફ્સ્કિટ્ઝે જણાવ્યું કે જ્યારે તેને 7 ઓક્ટોબરે હમાસના લડવૈયાઓ દ્વારા બંધક બનાવવામાં આવી ત્યારે હમાસના લડવૈયાઓએ તેને ખૂબ માર માર્યો હતો. બંધક બનાવતી વખતે તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. યોચેવેડ લિફ્સ્કિટ્ઝને ગાઝાની એક ટનલમાં રાખવામાં આવી હતી. યોચેવેડ લિફ્સ્કિટ્ઝને અપેક્ષા નહોતી કે તે ફરી ક્યારેય હમાસની કેદમાંથી મુક્ત થશે. તેમને ટનલમાં શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થઈ રહી હતી.

લિફ્શિટ્ઝે કહ્યું કે, શરૂઆતમાં બર્બરતા દાખવનારા હમાસના લડવૈયાઓએ પાછળથી દરેકની સાથે સારો વ્યવહાર કરવા લાગ્યા હતા. મને શ્વાસ લેવાની તકલીફ હતી તો એક ડૉક્ટરે મારી મુલાકાત લીધી અને મારી તમામ આરોગ્યલક્ષી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું. આ સાથે તેણે જણાવ્યું કે ગાઝાની સુરંગોમાં ખાસ રૂમ બનાવવામાં આવ્યા હતા. જ્યાં મહિલાઓ સહિત હમાસના લડવૈયાઓ તૈનાત હતા. જેઓ બંધક બનાવેલા દરેકની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખતા હતા.

બંધક દરમિયાનની પરિસ્થિતિનું વર્ણન કરતાં, 85 વર્ષીય વૃદ્ધ યોચેવેડ લિફ્સ્કિટ્ઝએ કહ્યું કે તમામ લોકોને બંધક બનાવીને ખૂબ સારું ભોજન આપવામાં આવ્યું હતું. ભોજનમાં પનીર અને કાકડીનો પણ સમાવેશ કરાતો હતો. ઉપરાંત બંધકોને જરૂરીયાત મુજબની દવાઓનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેણીએ જણાવ્યું કે બંધક બનાવતી વખતે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેની સારવાર પણ ટનલમાં જ કરવામાં આવી હતી. ચારથી પાંચ જેટલા ડોકટરો ટનલની અંદર જ જ્યા અમને બંધક બનાવીને રાખ્યાં હતા ત્યાં ચેકઅપ માટે આવતા હતા.

આ સિવાય યોચેવેડ લિફ્સ્કિટ્ઝે કહ્યું કે ટનલના જે રૂમમાં લોકોને બંધક બનાવવામાં આવ્યા છે તે ખૂબ જ સરસ અને સ્વચ્છ છે. દરેક વ્યક્તિ સૂઈ શકે તે માટે નીચે જમીન પર ગાદલા પણ પાથરવામાં આવ્યા છે. તેણે કહ્યું કે તમામ બંધકોને તે જ ખોરાક આપવામાં આવ્યો હતો જે ત્યાંના બંધકો ઉપર દેખરેખ રાખતા હમાસના લડવૈયાઓ ખાતા હતા.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે હજ્જારો લોકો બેઘર થઈ ગયા છે. ઈઝરાયેલ અને ગાઝામાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 200 થી વધુ ઇઝરાયેલ નાગરિકો હજુ પણ હમાસની કેદમાં છે. જો કે હમાસે આમાંથી કેટલાક લોકોને મુક્ત કર્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.