મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

સંતરામપુર,મહીસાગર જીલ્લાની સંતરામપુર તાલુકાની પાદરી ફળિયા પગાર કેન્દ્રની મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આજ રોજ સર સી.વી.રામનની “રામન ઇફેક્ટ”ની શોધના ભાગરૂપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે “ભારતના વિવિધ વૈજ્ઞાનિકો” વિષય પર વક્તૃત્વ સ્પર્ધા, “વૈજ્ઞાનિક શોધો અને તેના શોધક” સ્પર્ધા, “સાયન્સ ક્વિઝ”, “વિજ્ઞાનના વિવિધ પ્રયોગો” તથા “વિજ્ઞાન પેટી અને ગણિત પેટીના વિવિધ સાધનો”ની ઓળખ અને પરિચય વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી. વિશેષમાં શાળાના વિજ્ઞાન શિક્ષક લલીતભાઈ ગરાસીયાએ “માનવ શરીર” વિશે થ્રીડી મોડેલનાં માધ્યમથી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. રમેશકુમાર બી ચૌહાણે “માનવીનું પાચનતંત્ર” વિશે મોડેલ દ્વારા માર્ગદર્શન આપ્યું. અસ્મિતાબેન ચારેલે “ચંદ્ર અને સૂર્યની ઘટનાઓ” વિશે પ્રાયોગિક સમજ આપી. રાજપ્રિયાબેન રહેવરે “આપણા વૈજ્ઞાનિકો” વિષય આધારિત વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરેલ. આજના દિવસની બધી પ્રવૃત્તિઓમાં અંદાજીત 70 થી વધુ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધેલ. વક્તૃત્વ સ્પર્ધા પ્રથમ પારગી માયાબેન ધો. 8, દ્વિતીય ભાભોર ફાલ્ગુનીબેન ધો. 8, તૃતીય રોહિત રાવળ ધો. 8 અને શિવરાજ ધો. 6 તથા સાયન્સ ક્વિઝમાં કલ્પના ચાવલા ટીમ ધો. 6 વિજેતા બનેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં ઉત્સાહી અને યુવાન આચાર્ય લખમણભાઈ ખરાડી અને શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવેલ.