નવીદિલ્હી,
શ્રદ્ધા વાકર મર્ડર કેસમાં આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ ચોંકાવનારું સ્ટેટમેન્ટ આપ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન તેણે કહ્યું કે, શ્રદ્ધાની હત્યા માટે તેને ફાંસી આપવામાં આવે તો પણ તેને અફસોસ થશે નહીં કારણ કે તેને જન્નતમાં હૂર મળશે. આફતાબે શ્રદ્ધા સાથેના સંબંધો દરમિયાન ૨૦થી વધુ હિન્દૂ યુવતીઓ સાથે અફેર હોવાનું પણ કબૂલ્યું હતું.
પોલીસ અધિકારીએ કહ્યું કે, આફતાબે પૂછપરછ બાદ આ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, તેણે બમ્બલ એપનો ઉપયોગ હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરવા અને તેમને જાળમાં ફસાવવા માટે કર્યો હતો. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે એક મનોવૈજ્ઞાનિકને પણ પોતાના એપાર્ટમેન્ટમાં બોલાવી હતી. તે પણ હિંદુ સ્ત્રી હતી. તેણે કબૂલ્યું કે તેણીને સંબંધમાં લલચાવવા માટે તેને શ્રદ્ધાની વીંટી આપી હતી. તેણે અન્ય હિંદુ છોકરીઓ સાથે પણ વાતચીત કરી હતી.
તેણે કહ્યું કે તેને શ્રદ્ધાની હત્યા અને તેના શરીરના ટુકડા કરવામાં કાંઈપણ ખોટું લાગ્યું નહીં. તેણે પોલીસને કથિત રીતે જણાવ્યું હતું કે, તેનો પ્લાન શ્રદ્ધાને મારીને મુંબઈમાં જ તેના ટુકડા કરવાનો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આફતાબે પોલીગ્રાફ પરીક્ષા દરમિયાન કેટલાક ચોંકાવનારા સત્યોની કબૂલાત કરી હતી. નાર્કો ટેસ્ટ બાદ પોલીસ આ તારણોને સ્થાપિત કરવા માગે છે. પોલિગ્રાફ દરમિયાન આફતાબે આપેલી માહિતી તપાસમાં ઘણી મદદરૂપ છે. પરીક્ષણ બાદ તેના ઘરેથી પાંચ છરીઓ મળી આવી હતી. વધુમાં, એવી ધારણા છે કે વધુ પુરાવા ટૂંક સમયમાં હસ્તગત કરવામાં આવશે. આફતાબે તાજેતરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રોહિણી, નવી દિલ્હી ખાતે પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો છે. ટેસ્ટના રિપોર્ટ હજુ બહાર આવવાના બાકી છે.
દિલ્હીની એક અદાલતે પોલીસને પાંચ દિવસમાં નાર્કો-એનાલિસિસ ટેસ્ટ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો અને તેમને કોઈપણ થર્ડ-ડિગ્રી પગલાંનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી હતી. પોલિગ્રાફ પરીક્ષા પછી નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આફતાબે નાર્કો ટેસ્ટ માટે હા પાડી છે. નોંધનીય છે કે, પોલીસ પૂછપરછ દરમિયાન, આફતાબે વિરોધાભાસી નિવેદનો આપ્યા હતા, જેના કારણે દિલ્હી પોલીસે કોર્ટમાં જઈને નાર્કો ટેસ્ટ કરાવવાની પરવાનગી માગી હતી.
દિલ્હી પોલીસે ૧૪ નવેમ્બરના રોજ ૬ મહિના જૂના હત્યા કેસને ઉકેલ્યો અને આફતાબ અમીન પૂનાવાલાની તેના લિવ-ઇન પાર્ટનરની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. આફતાબે ૧૮ મેના રોજ શ્રદ્ધાની હત્યા કરીને ૩૫ ટુકડા કરી નાખ્યા હતા. તે પછી આગામી ૧૮ દિવસ સુધી દિલ્હીના મહેરૌલી જંગલમાં શરીરના ટુકડાનો નિકાલ કર્યો. ૧૦ નવેમ્બરના રોજ શ્રદ્ધા વાકરના પિતાની ફરિયાદના આધારે આફતાબની ધરપકડ કરવામાં આવી હતી.