મહારાષ્ટ્રના આગામી CM બીજેપીના હોઈ શકે છે. બુધવારે કાર્યકારી CM એકનાથ શિંદેએ થાણેમાં એક પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે બીજેપીના CMને સ્વીકારીએ છીએ. મને પદની કોઈ લાલચ નથી. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મોદીજી મારી સાથે ઊભા હતા. હવે તેઓ જે પણ નિર્ણય લેશે એને સ્વીકારવામાં આવશે.
શિંદેએ કહ્યું- મેં ગઈકાલે (26 નવેમ્બર) મોદીજીને ફોન કર્યો હતો, અમારી વચ્ચે કોઈ મતભેદ નથી, તમારા મનમાં કોઈ અડચણ ઊભી ન કરો. અમે બધા NDAનો ભાગ છીએ. ભાજપની બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે એ અમે સ્વીકારીશું. સ્પીડબ્રેકર નથી, અમે સરકાર બનાવવામાં અવરોધ નહીં બનીએ.શિંદેએ કહ્યું, હું મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી માનતો નથી. મેં હંમેશાં સામાન્ય માણસ તરીકે કામ કર્યું છે. આ જનતાની જીત છે. સમર્થન માટે જનતાનો આભાર. ચૂંટણી વખતે સવારે પાંચ વાગ્યા સુધી કામ કરતા હતા. તમામ કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી હતી.
શિંદેને મોદીનો દરેક નિર્ણય સ્વીકાર્ય, 6 નિવેદન આપ્યાં…
1. હું એક સામાન્ય માણસ છું, મેં મારી જાતને ક્યારેય CM નથી માન્યા એકનાથ શિંદેએ કહ્યું, “સામાન્ય માણસને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ હું સમજું છું. મેં ક્યારેય મારી જાતને મુખ્યમંત્રી નથી માન્યા. મેં હંમેશાં એક સામાન્ય માણસ તરીકે કામ કર્યું છે. હું જોતો આવ્યો છું કે પરિવારને કેવી રીતે ચાલાવાય. મેં વિચાર્યું કે જ્યારે મારી પાસે સત્તા આવશે ત્યારે જેઓ પીડિત છે તેમના માટે યોજનાઓ લાવીશું.”
2. હું તમારો પ્રિય ભાઈ છું, આ લોકપ્રિયતા વધુ સારી શિંદેએ કહ્યું, “જ્યારે હું સીએમ હતો ત્યારે લોકોને લાગતું હતું કે અમારી વચ્ચે એક મુખ્યમંત્રી છે. ઘર હોય કે મંત્રાલય, લોકો મને મળવા આવતા. મને જે ઓળખ મળી છે એ તમારા કારણે છે. મેં લોકપ્રિયતા માટે કામ નથી કર્યું. મેં મહારાષ્ટ્રના લોકો માટે કામ કર્યું, રાજ્યની બહેનો અને ભાઈઓએ મને ટેકો આપ્યો, આ માન્યતા સારી છે.
3. રાજ્યને આગળ વધારવા માટે કેન્દ્રનું સમર્થન જરૂરી એકનાથ શિંદેએ કહ્યું, “અમે અઢી વર્ષ સુધી સરકાર ચલાવી. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર હાજર રહી અને અમારી સાથે ઊભી રહી. અમારા દરેક પ્રસ્તાવને સમર્થન મળ્યું. રાજ્ય ચલાવવા માટે કેન્દ્ર સરકારનું સમર્થન જરૂરી છે.”
4. અમે કોઈ અવરોધ નથી, આખી શિવસેના મોદીજીના નિર્ણયને સ્વીકારે છે શિંદેએ કહ્યું, “મેં મોદીજી-શાહજીને ફોન કર્યો. મેં તેમને કહ્યું કે તમે જે પણ નિર્ણય લેશો, અમે એને સ્વીકારીશું. ભાજપની બેઠકમાં તમારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, એ પણ અમને સ્વીકાર્ય છે. અમને સરકાર બનાવવામાં કોઈ અડચણ નથી. સરકાર બનાવવા અંગે તમે જે પણ નિર્ણય લેવા માગો છો એમાં શિવસેના અને મારા તરફથી કોઈ અવરોધ નથી.”
5. મોદી-શાહ અઢી વર્ષ સુધી પહાડની જેમ સાથે રહ્યા તેમણે કહ્યું, “અમે અઢી વર્ષ સરકાર ચલાવી. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહે મારા જેવા કાર્યકરને મુખ્યમંત્રીપદની જવાબદારી આપી. બંને અઢી વર્ષ સુધી અમારી સાથે પહાડની જેમ ઊભા રહ્યા. તેમણે મને કહ્યું હતું કે તમે જનતાનું કામ કરો અને અમે તમારી સાથે છીએ.”
6. મને પદની લાલચ નથી, મહારાષ્ટ્રમાં કોઈ સ્પીડબ્રેકર નથી એકનાથ શિંદેએ કહ્યું, “મને પદની ઝંખના નથી. અમે લોકો લડતા નથી. અમે કામ કરતા લોકો છીએ. મેં પીએમ અને ગૃહમંત્રીને પણ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોઈ સ્પીડબ્રેકર નથી, કોઈ ગુસ્સો નથી, કોઈ ગાયબ નથી. અહીં કોઈ મતભેદ નથી. એક સ્પીડબ્રેકર હતું, એ મહાવિકાસ આઘાડી હતું, એને હટાવી દેવામાં આવ્યું છે.