રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે માહિતી આપી છે કે એરપોર્ટની જેમ રેલ્વે સ્ટેશનો પર મુસાફરો પાસેથી યુઝર ચાર્જ વસૂલવામાં આવશે. પરંતુ ભારતીય રેલ્વે દરેક ટ્રેન સ્ટેશન પર આ ચાર્જ વસૂલવાની યોજના ધરાવતી નથી. દેશના કુલ રેલ્વે સ્ટેશનોના 10 થી 15 ટકા સ્ટેશનો પરથી જ લોકો પાસે આ ચાર્જ લેવામાં આવશે.
- મોદી સરકારના રાજમાં હવે ટ્રેન ટિકિટો થશે વધુ મોંઘી
- રેલવેમાં મુસાફરી કરનારા લોકો પર પડશે સીધી અસર
- એરપોર્ટની જેમ રેલવે સ્ટેશનો પર પણ લેવાશે યુઝર ચાર્જ
રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને CEO વિનોદકુમાર યાદવ એ માહિતી આપી હતી કે એરપોર્ટની જેમ જ હવે રેલ્વે સ્ટેશનોમાં પણ યુઝર ચાર્જ લેવામાં આવશે. દરમિયાન, નીતિ આયોગના CEO અમિતાભ કાંતે જણાવ્યું હતું કે ખાનગી ટ્રેનોનું ભાડુ બજાર મુજબ નક્કી કરવામાં આવશે. મુસાફરોને વેલ્યુ એડેડ સર્વિસ પણ આપવામાં આવશે. આમ મોદી સરકારના એકબાજુ રેલવેના ખાનગીકરણની યોજના તો બનાવી રહી છે સાથે જ ટ્રેનોની ટિકિટોમાં પણ નવો ભાવવધારો તોળાઈ રહ્યો છે.
આવા રેલ્વે સ્ટેશનોમાં મુસાફરો પાસેથી લેવાશે ચાર્જ
રેલ્વેએ આજે જાહેરાત કરી છે કે કુલ રેલ્વે સ્ટેશનોમાંથી 10 થી 15 ટકામાં સ્ટેશનો પરથી જ ચાર્જ વસૂલવામાં આવશે. ચીફ ઓફ રેલવે બોર્ડ CRB અને CEO વી કે યાદવે એ કહ્યું છે કે 1050 સ્ટેશનો પર નવો ચાર્જ લેવાશે. સ્ટેશનોની ક્ષમતા વધારવા માટે રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ યોજના અમલમાં મૂકાશે, જેમાં ફરીથી સ્ટેશનોનું નિર્માણ કરાશે, નોંધનીય છે કે હાલમાં દેશમાં 7000 જેટલા રેલવે સ્ટેશન છે.
કેટલો હશે આ યુઝર ચાર્જ ?
CRB વી કે યાદવે માહિતી આપી છે કે રેલવે ટૂંક સમયમાં યુઝર ચાર્જ માટેની સૂચનાઓ જાહેર કરશે. જો કે, યુઝર ચાર્જ કેટલા હશે તેના પ્રશ્નના પર તેમણે કહ્યું હતું કે યુઝર ચાર્જ તરીકે થોડી રકમ જ લેવામાં આવશે. જો કે તેમણે આંકડામાં માહિતી આપી નહોતી. રેલ્વેએ માહિતી આપી છે કે મોટા રેલ્વે સ્ટેશનો અને ભીડભાડ વાળા રેલ્વે સ્ટેશનોમાં યુઝર ચાર્જ લેવામાં આવશે.આ યુઝર ચાર્જ પેસેન્જર ટિકિટના ભાડામાં જ ઉમેરવામાં આવશે.
રેલ્વે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે 24 માર્ચ સુધીમાં, તેઓ હાઈ ડેન્સિટી વાળા માર્ગો પર ડબ્લિંગ, ટ્રિપલિંગ અને ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ કરશે. તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર અને હબીબગંજ સ્ટેશનો ડિસેમ્બર 2020 સુધીમાં રીડેવલપ કરાશે.
ખાનગી ટ્રેનોનું ભાડુ બજાર આધારિત રહેશે
આ પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના CEO અમિતાભ કાંત પણ હાજર હતા. કાંતે જણાવ્યું હતું કે ખાનગી ટ્રેનોનું ભાડુ બજાર મુજબ નક્કી કરવામાં આવશે. મુસાફરોને વેલ્યુ એડેડ સર્વિસ પણ આપવામાં આવશે. ખાનગીકરણથી લગભગ 30 હજાર કરોડ રૂપિયાનું ખાનગી રોકાણ રેલવેમાં થવાની સંભાવના છે.
ખાનગી ટ્રેન આવ્યા પછી રેલ્વે બંધ નહીં થાય
તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે અમે રેલ્વેનું ખાનગીકરણ નથી કરી રહ્યા. ખાનગી કંપની રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે ખાનગી બેન્કોના આવ્યા પછી SBI બંધ નથી થઈ. ઈન્ડિગો, વિસ્તારા આવ્યા પછી એર ઇન્ડિયા અટક્યું નથી. આથી ખાનગી ટ્રેનોના આગમન પછી, ભારતીય રેલ્વે બંધ નહીં થાય, પરંતુ તેની ક્ષમતા અને સ્પર્ધામાં વધુ વધારો થશે.