માંડવી ચેકપોસ્ટના ચકચારી તોડકાંડમાં પીઆઈ ગોસ્વામી બાદ હવે એએસઆઇ નિલેશ મૈયાની ધરપકડ

ગીરસોમનાથ, ગીરસોમનાથના ચકચારી તોડકાંડ કેસમાં એએસઆઇ નિલેશ મૈયાની ૪ મહિના કરતા વધુ સમય બાદ ધરપકડ કરાઈ છે. આ કેસમાં અગાઉ પીઆઈ ગોસ્વામીની ધરપકડ થઈ ચુકી છે. ઉના પોલીસના પીઆઈ ગોસ્વામી, તેમનો વચેટિયો અને એએસઆઈ નિલેશ મૈયાએ મળીને અનેક પ્રવાસીઓને રોકીને તેમની પાસેથી તોડપાણી કરતા હતા. લાંબા સમયથી ચાલતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ઉના પોલીસના તોડકાંડનો પર્દાફાશ થયો હતો.

ગીરસોમનાથના ચકચારી માંડવી ચેકપોસ્ટના તોડકાંડમાં એસીબીએ એએસઆઇ નિલેશ મૈય્યાની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ પીઆઈ ગોસ્વામીની ધરપકડ થઈ ચુકી છે. ઉના પોલીસ પર દીવથી આવતા પ્રવાસીઓ સાથે તોડપાણી કરવાના અનેક આરોપ લાગ્યા હતા.

ઉના પોલીસના માંડવી ચેકપોસ્ટ પર તોડકાંડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, પોલીસ તોડપાણી કરતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પીઆઈ ગોસ્વામી અને એએસઆઇ નિલેશ મૈયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારબાદ પીઆઈ નિલેશ ગોસ્વામી નાયકીય ઢબે રાજકોટમાં સરેન્ડર થતા તેમની ધરપકડ કરાઈ હતી. પીઆઈ નિલેશ ગોસ્વામી, તેમનો વચેટિયો નિલેશ તડવી અને એએસઆઇ નિલેશ મૈયાએ ૫૦થી વધુ પ્રવાસીઓ સાથે તોડ કર્યો હતો. આ તોડમાં પીઆઈનો ખાનગી માણસ નિલેશ તડવી પ્રવાસીઓ પાસેથી ઉઘરાણી કરતો હતો.

આ કેસમા એસીબીએ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર રેડ કરી હતી અને પોલીસ વતી લાંચ લેતા વહીવટદારને ઝડપી લીધો હતો. પોલીસની રેડનો ખ્યાલ આવી જતા ફરજ પરના પોલીસકર્મી, જીઆરડી સહિતના અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. આ રેડને પગેલે અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. ઉના પોલીસના તોડકાંડનો વીડિયો વાયરલ થયો હતો જેમા પ્રવાસીઓ સાથે પોલીસ તોડ કરતી હોવાનુ સામે આવ્યુ હતુ. દીવથી આવતા પ્રવાસીઓને દારૂનો કેસ કરવાની ધમકી આપી મોટી રકમનો તોડ કરવામાં આવતો હતો. જો પ્રવાસી પાસે રોકડ ન હોય તો એટીએમમાં લઈ જઈને પૈસા પડાવવામાં આવતા હતા. ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો પણ પ્રવાસીઓએ આરોપ લગાવ્યો છે.