લોક્સભાની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાત બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. આ પાંચેય બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ત્યારે આ પાંચેય ચૂંટાયેલા સભ્યો ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે. જણાવી દઈએ કે, આ પાંચ ચૂંટાયેલા સભ્યોમાંથી ચાર કોંગ્રેસ માંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા છે. આ પાંચેય નવા ધારાસભ્યોને વિધાનસભા અયક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા છે. આ સાથે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ૧૬૧ થઇ ગયુ છે.
પોરબંદરથી અર્જૂન મોઢવાડિયા, વિજાપુરથી સી.જે.ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે. આ સાથે જ વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો પૈકી ૧૮૧ બેઠકોનું સંખ્યાબળ થઈ ગયું છે. હાલમાં વિધાનસભાની ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી પડી છે. આ બેઠક પર લોક્સભાની ચૂંટણી સાથે પેટાચૂંટણી નહોતી યોજાઈ. કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી આ બેઠક પર ચૂંટણી નથી યોજાઈ. અગાઉ વિસાવદરના તત્કાલિન આપ એમએલએ ભૂપત ભાયાણીની જીતને હર્ષદ રીબડિયા હાઈકોર્ટમાં પડકારી હતી. જોકે, બાદમાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. બનાસકાંઠાની વાવ બેઠકના સ્ન્છ ગેનીબેન ઠાકોર લોક્સભા બેઠક જીતતા વાવ બેઠક પરથી રાજીનામું આપે તો ફરી વિધાનસભા ખંડિત થઈ શકે છે.
પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ૧,૧૬,૮૦૮ મતથી જીત મેળવી છે. અર્જુન મોઢવાડિયાને ૧,૩૩,૧૬૩ મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને ફક્ત ૧૬,૩૫૫ મત મળ્યાં હતા.
વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાનો ૫૬,૨૨૮ મતથી વિજય થયો છે. સીજે ચાવડાને ૧,૦૦,૬૪૧ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને ૪૪,૪૧૩ મત મળ્યા છે
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ૮૨,૧૦૮ મતથી વિજય થયો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ૧,૨૭,૪૪૬ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલને ૪૫.૩૩૮ મત મળ્યાં છે.
માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો ૩૧,૦૧૬ મતથી વિજય થયો છે. અરવિંદ લાડાણીને ૮૨,૦૧૭ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને ૫૧,૦૦૧ મત મળ્યા છે.
ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો ૩૮,૩૨૮ મતથી વિજય થયો છે. ચિરાગ પટેલને ૮૮,૪૫૭ મત મળ્યા છે. જ્યારે કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને ૫૦,૧૨૯ મત મળ્યાં છે.