માણાવદરના પૂર્વ ધારાસભ્ય સહિત ૪૦૦ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા

જૂનાગઢ,ભાજપમાં ભરતીમેળામાં વધુ એક કોંગ્રેસ નેતા સામેલ થયા. માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કહેવાતા દિગ્ગજ નેતા અરવિંદ લાડાણી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. સી.આર પાટીલના હસ્તે અરવિંદ લાડાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપ અરવિંદ લાડાણીના આગમનને લઈને વંથલી માર્કેટિંગ યાર્ડમાં ભવ્ય કાર્યર્ક્તા સંમેલન યોજાયું. આ સંમેલનમાં ૪૦૦થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા.

લોક્સભા ચૂંટણી પહેલા ભાજપ પક્ષમાં વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓનું એક પછી એક આગમન થઈ રહ્યું છે. અરવિંદ લાડાણી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કદાવર નેતા માનવામાં આવે છે. કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા ૨૦૨૨માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. ખેડૂત પુત્ર અરવિંદ લાડાણી ૩૫ વર્ષથી રાજનીતિમાં છે. કોંગ્રેસના કદાવર નેતા તરીકે ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂકયા છે. છેલ્લા દિવસોમાં અર્જુન મોઢવડિયા, મહેશ વસાવા, સી.જે.ચાવડા, ચિરાગ પટેલ, ભૂપત ભાયાણી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં સામેલ થયા.