જૂનાગઢ,રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી આવી રહેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે આ અણધાર્યા વરસાદે માણાવદરમાં ત્રણ જિંદગી છીનવી લીધી છે. માણાવદરમાં ગઈકાલે પડેલા અનરાધાર વરસાદને કારણે ચુડવા ગામની નદીમાં પૂર આવ્યું હતું, જેમાં છત્રાસા અને ચુડવા ગામની વચ્ચે આવેલાં ખેતરોમાં કામ કરવા આવેલા લાઠ ગામના ૧૨ ખેતમજૂરો ભરેલી રિક્ષા નદીના વહેણમાં તણાઈ હતી. એમાંથી ૯ મજૂરને રેસ્ક્યૂ કરાયા હતા, જોકે ત્રણ મહિલાઓ લાપત્તા થઈ હતી, જેમના મૃતદેહને શોધીને પીએમ અર્થે ખસેડાયા છે.
રિક્ષા નદીના પૂરમાં તણાયાની અને મહિલાઓ ડૂબી હોવાની જાણ વહીવટીતંત્રને થતાં જૂનાગઢ કલેક્ટરે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા આદેશ આપ્યો હતો. માણાવદર વહીવટી તંત્રના મામલતદાર, ટીડીઓ, ફાયર વિભાગ, એનડીઆરએફ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે સદનસીબે નવ લોકોના જીવ બચી ગયા હતા, જ્યારે ત્રણ મહિલા ડૂબી ગઈ હોવાની જાણ આસપાસના લોકોને થતાં લોકોનાં ટોળેટોળાં એકત્રિત થયાં હતાં.
એનડીઆરએફની ટીમે મોડી રાત્રે મહામહેનતે એક મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે અન્ય બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. શાંતાબેન રાઠોડ (ઉં.વ. ૬૦), સંજનાબેન સોલંકી (ઉં.વ.૧૮) અને ભારતીબેન સોલંકી (ઉં. વ. ૪૦) નામની આ ત્યારે ત્રણેય મહિલાના મૃતદેહોને પીએમ માટે માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અણધારી આફતના કારણે આ મૃત્યુ પામેલી ત્રણેય ખેતમજૂર મહિલાઓના પરિવાર પર દુ:ખનું આભ ફાટ્યું છે.