માનવસહિત ગગનયાન મિશનની કમાન મહિલાઓના હાથમાં : ઈસરો ચીફ એસ સોમનાથ

બેંગ્લુરુ, ઈસરોના માનવસહિત ગગનયાન એક મહિલા પાયલોટ દ્વારા ઉડાવવામાં આવશે. એવું પણ શક્ય છે કે ગગનયાન મહિલા વૈજ્ઞાનિક સાથે ઉડાન ભરશે. પરંતુ મિશન ગગનયાનમાં મહિલાઓને પ્રાથમિક્તા મળશે તે નિશ્ચિત છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના વડા એસ.એસ. સોમનાથે જણાવ્યું હતું કે સ્પેસ એજન્સી મોસ્ટ અવેઈટેડ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાન મિશન માટે લડાયક વિમાન ઉડાડતી મહિલા પાયલોટ અથવા મહિલા વૈજ્ઞાનિકોને પ્રાધાન્ય આપે છે અને ભવિષ્યમાં તેમને મોકલવાનું શક્ય બનશે. તેમણે કહ્યું કે ઈસરો આવતા વર્ષે તેના માનવરહિત ગગનયાન અવકાશયાનમાં સ્ત્રી હ્યુમનૉઇડ મોકલશે.

સોમનાથે કહ્યું કે ઈસરો ત્રણ દિવસીય ગગનયાન મિશન માટે ૪૦૦ કિમીની નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં માનવોને અવકાશમાં મોકલવાનું અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનું લક્ષ્ય ધરાવે છે. આપણે સંભવિત મહિલા ઉમેદવારોની શોધ કરવી પડશે. ઈસરોના વડાએ કહ્યું કે હાલમાં પ્રારંભિક ઉમેદવારો વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ ના પાઈલટમાંથી હશે. અમારી પાસે અત્યારે મહિલા પાયલોટ નથી. તેમણે કહ્યું કે ભવિષ્યમાં વૈજ્ઞાનિકો અવકાશયાત્રીઓ તરીકે જશે, ત્યારે હું માનું છું કે મહિલાઓ માટે વધુ સંભાવનાઓ હશે.

ઈસરોના વડાએ કહ્યું કે ઈસરોનું લક્ષ્ય ૨૦૩૫ સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનું છે. ભારતે શનિવારે તેના મહત્વાકાંક્ષી માનવ અવકાશ મિશન ગગનયાનમાં પ્રથમ માનવરહિત પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. અગાઉ, પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે પ્રક્ષેપણની માત્ર ચાર સેકન્ડ પહેલાં પરીક્ષણ રદ કરવામાં આવ્યું હતું, પરંતુ બે કલાક કરતાં ઓછા સમયમાં ખામીઓ દૂર કરાઇએ અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

ઈસરોના જણાવ્યા અનુસાર, માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાનથી પહેલા, ટીવી-ડી૧ પરીક્ષણ વાહનને શનિવારે સવારે ૧૦ વાગ્યે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્રૂ મોડ્યુલ રોકેટથી અલગ થઈ ગયું અને યોજના પ્રમાણે બંગાળની ખાડીમાં પડ્યું હતું.