મન કી બાત’ કાર્યક્રમ ન સાંભળવા બદલ ચંડીગઢમાં ૩૬ વિદ્યાર્થિનીઓના હોસ્ટેલથી બહાર નીકળવા પર બૅન

ચંડીગઢ, ગત ૩૦ એપ્રિલે પીએમ મોદીના રેડિયો પ્રોગ્રામ મન કી બાત કાર્યક્રમનો ૧૦૦મો એપિસોડ હતો. તેના માટે ચંડીગઢની નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટ PGIMERના સ્ટુડન્ટ્સને પણ આ કાર્યક્રમને સાંભળવા માટે કહેવાયું હતું. જોકે નર્સિંગની ૩૬ વિદ્યાર્થિનીઓ મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે ન આવતા તેમની વિરુદ્ધ PGIMER દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમના પર એક અઠવાડિયા સુધી હોસ્ટેલથી બહાર જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ખરેખત તો પીજીઆઇએમઇઆર દ્વારા આ મામલે કાયદેસર રીતે લેખિતમાં આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. તેમાં જણાવાયું હતું કે વડાપ્રધાન મોદીની મન કી બાત કાર્યક્રમને નર્સિંગની તમામ વિદ્યાર્થિનીઓ પણ સાંભળશે. પણ નર્સિંગની થર્ડ યરની ૨૮ અને ફર્સ્ટ યરની ૮ વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમને ન સાંભળ્યો. જેના લીધે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમને ૭ દિવસ માટે આઉટિંગ બંધ કરવાનો આદેશ અપાયો છે. પીજીઆઇએમઇઆર દ્વારા આ મામલે લેખિત આદેશ આપવામાં આવ્યા છે.

પીજીઆઇએમઇઆર દ્વારા આદેશ જારી કરાયા બાદ તેના પર સ્પષ્ટતા કરવામાં આવી છે કે નર્સિંગ સ્ટુડન્ટ્સને વડાપ્રધાન મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળવા કહેવાયું હતું. આ નિર્દેશ નિયમિત અભ્યાસક્રમની પ્રવૃત્તિઓના ભાગરૂપે સામેલ થવાના ઈરાદે આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પહેલા એક એપિસોડમાં વડાપ્રધાને અંગદાનના શ્રેષ્ઠ કામને પ્રોત્સાહન આપવા પર વાત કરી હતી જે મનોબળ વધારે તેવું હતું. તેમના માટે લેક્ચર થિયેટરની વ્યવસ્થા કરાઈ હતી અને તેમાં ગેરહાજર રહેતા આ નિર્ણય લેવાયો હતો.