પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જી અને તેમના ભત્રીજા, પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. શુક્રવારે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ઉલુબેરિયામાં ધમકી સાથેનું એક પોસ્ટર જોવા મળ્યું હતું. પોલીસે માહિતી આપી હતી કે સફેદ કપડાના ટુકડા પર લીલી શાહીથી હાથથી લખાયેલું પોસ્ટર ઉલુબેરિયાના ફુલેશ્ર્વર વિસ્તારમાં એક બાંધકામ સ્થળ પરથી મળી આવ્યું છે, જ્યાં ૨૦ મેના રોજ લોક્સભાની ચૂંટણી યોજાવાની છે. બંગાળી ભાષામાં લખવામાં આવેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે હું મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને કારથી ટક્કર મારીને મારી નાખીશ. આ પછી બધા દીવા પ્રગટાવશે. મારી પાસે એક ગુપ્ત પત્ર છે. પોસ્ટર ઇંટોના ઢગલા પર લટક્તું જોવા મળ્યું હતું.
પોલીસ અધિકારીએ કહ્યું કે ગુપ્ત પત્રનો અર્થ શું છે તે હજુ સ્પષ્ટ નથી. આ એક ટીખળ હોઈ શકે છે. અમારે એ શોધવાનું છે કે શું આમાં કોઈ એક વ્યક્તિ કે જૂથ સામેલ છે? દરમિયાન, મમતા બેનર્જીએ શુક્રવારે નરેન્દ્ર મોદી સરકાર પર આદિવાસીઓના અધિકારો છીનવી લેવા અને વિવિધ પછાત સમુદાયો વચ્ચે મતભેદ ઊભો કરવાની યોજનાનો આરોપ મૂક્યો હતો.ટીએમસીના ઝારગ્રામ લોક્સભાના ઉમેદવાર કાલિપદા સોરેનના સમર્થનમાં એક ચૂંટણી રેલીમાં, મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપનો ઉદ્દેશ્ય એનઆરસી લાગુ કરીને આદિવાસીઓને ઉખેડી નાખવાનો છે, આખરે તેમને તેમના જમીનના અધિકારોથી વંચિત રાખવાનો છે. આદિવાસીઓ તેમની પૂર્વજોની જમીન પર રહી શકે તે સુનિશ્ર્ચિત કરવા માટે અમે પહેલેથી જ એક કાયદો પસાર કર્યો છે,
તેણીએ કહ્યું, ભાજપ એનઆરસી દ્વારા આદિવાસીઓ, કુર્મીઓ અને અન્ય પછાત જાતિઓને ભગાડવા માંગે છે અને સમાન નાગરિક સંહિતા લાવી તેમની વચ્ચે લડાઈ ઉભી કરવા માંગે છે, પરંતુ હું મારા અંતિમ શ્ર્વાસ સુધી તેમની સુરક્ષા કરવાની શપથ લઉં છું.તમને જણાવી દઈએ કે પશ્ર્ચિમ બંગાળમાં લોક્સભાની કુલ ૪૨ સીટો છે. તેમાંથી ચાર તબક્કામાં ૧૮ બેઠકો પર મતદાન થયું છે, જ્યારે ૨૪ બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થવાનું બાકી છે. ત્રણ તબક્કામાં મતદાનને લઈને ચૂંટણી પ્રચાર તેજ થયો છે ટીએમસી બીજેપી સીપીઆઇ એમ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં એકબીજા પર જોરદાર પ્રહારો કરી રહ્યા છે.