મમતાને રોકવા માટે બંગાળમાં કેટલાક ડાબેરી નેતા ભાજપમાં ભળી ગયા

કોલકાતા,

પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ મહિના પછી પંચાયતની ચૂંટણી, હિંસા અત્યારથી શરૂ થઈ આ નવી વન ટુ વન ફોર્મ્યૂલા છે જેથી મમતા વિરોધી વોટ એકજૂટ થાય પ.બંગાળમાં એપ્રિલ ૨૦૨૩માં પંચાયતની ચૂંટણી યોજાવાની શક્યતા છે પણ હિંસા તો અત્યારથી જ શરૂ થઈ ગઇ છે. ગ્રાઉન્ડ લેવલ પર કઈ પાર્ટીની કેટલી મજબૂત પકડ છે એ બધું લોહિયાળ ઈતિહાસવાળી આ ચૂંટણીઓથી જ નક્કી થાય છે, કેમ કે અહીં આશરે ૫૯ હજાર પંચાયત પ્રતિનિધિઓનાં પદોની ચૂંટણી ફક્ત પાર્ટી સિમ્બોલ પર જ લડાય છે.

૨૦૧૮ની પંચાયતની ચૂંટણીમાં ૨૦થી વધુ હત્યાઓ ચૂંટણીની અદાવતમાં કરાઈ હતી. જોકે દાવો તો ૩૦થી વધુ મૃત્યુનો કરાયો હતો. આ વખતે ચૂંટણીમાં લોહિયાળ સંઘર્ષનો ડર વધુ છે. તેનું કારણ પણ છે. ખરેખર હવે દરેક પંચાયતને વર્ષમાં ૪-૫ કરોડ રૂ.નું ફંડ મળવા લાગ્યું છે. ભાસ્કરે કોલકાતા, પૂર્વ મિદનાપુર, હાવડા, ઉત્તર ૨૪ પરગણા સુધીના જિલ્લાઓની સ્થિતિ જાણી હતી.

રાજકીય લડાઈની સંગઠિત તૈયારીની ગૂંજ ક્યાંક બોમ્બ વિસ્ફોટ તો ક્યાંક નવાં સમીકરણો તરીકે અત્યારથી સ્પષ્ટ સંભળાવા લાગી છે. ગ્રામીણ બંગાળમાં અનેક વિસ્તારોમાં વન ટુ વન મુકાબલા માટે ભાજપને માકપા કે કોંગ્રેસ સમર્થકોનો સાથ મળવો નવાં સમીકરણ તરીકે સામે આવ્યું છે. તેનાથી હિંસાની આશંકા પણ વધી ગઈ છે. તેને જોતાં જ પંચાયતની ચૂંટણીમાં કેન્દ્રીય સુરક્ષાદળોને તહેનાત કરવાની માગ કરાઈ છે.

ઉત્તર ૨૪ પરગણા, પૂર્વ મિદનાપુર સહિત અમુક જિલ્લાઓમાં ક્યાંક “પહેલા રામ.. પછી વામ’ સૂત્ર તો ક્યાંક તૃણમૂલની શક્તિશાળી મોરચાબંધી પણ છે. તેની ઝાંખી તાજેતરમાં કો-ઓપરેટિવ ચૂંટણીમાં જોવા મળી હતી. અનેક જગ્યાએ તૃણમૂલને હરાવવા ડાબેરી પક્ષો અને કોંગ્રેસે ઉમેદવારો જ ન આપ્યા. ભાજપ, માકપા કે કોંગ્રેસના મોટા નેતા ભલે આ વાતને સ્વીકારતા ન હોય પણ ગ્રાઉન્ડ લેવલ પર ઉમેદવારો આંકડા સાથે તેને સાબિત કરે છે. નંદીગ્રામ આંદોલનમાં સુવેન્દુ અધિકારીની સાથે ડાબેરી સરકાર વિરુદ્ધ સંઘર્ષ કરનારા અને હવે તૃણમૂલના પદાધિકારી સ્વદેશ દાસ કહે છે કે અનેક જગ્યાએ ભાજપ-લેટ કે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જૂથબંધી છે. પૂર્વ મિદનાપુરમાં નંદકુમાર-બહેરામપુર કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીમાં ભાજપ અને માકપા સમર્થકોએ મળીને એક નવા બેનર હેઠળ ચૂંટણી લડી અને તમામ ૬૩ બેઠકો જીતી લીધી. તેમાં ૫૨ સીટો એવી હતી જ્યાં તૃણમૂલે નવા ગઠબંધન સામે હારના ડરથી નોમિનેશન પાછું ખેંચી લીધું હતું. આ ચૂંટણીમાં વિજેતા રહેલા ભાજપના નેતા દુલાલ મંડલ કહે છે કે ૨૦૧૧માં માકપાને હરાવવા તૃણમૂલે પણ અનેક પક્ષોનો સંપર્ક કર્યો હતો. આ જૂથબંધી અંગે કોલકાતાના પ્રો.સુમન નાથ કહે છે કે આવું દરેક જગ્યાએ તો નહીં પણ એ ગ્રામ પંચાયતોમાં બની શકે છે જ્યાં તૃણમૂલ સમર્થકોએ વધારે હિંસા કરી હોય.