મમતાના દાવા ખોટા હિંસામાં અરેસ્ટ થયેલા તમામ બંગાળના : બંગાળમાં પથ્થરમારાની પાછળ કોણ છે

કોલકતા,આખો દેશ ભગવાન રામની જન્મજયંતી રામનવમીની ઉજવણી કરી રહ્યો હતો, એ જ સમયે પશ્ર્ચિમ બંગાળના હાવડામાં તોફાનીઓએ શિબપુરને સળગાવી રહ્યા હતા. પથ્થરમારો થઈ રહ્યો હતો. હિન્દુ-મુસ્લિમ બંને સમુદાયના લોકો એકબીજા પર હુમલો કરી રહ્યા હતા. ચાર દિવસ પછી ૨ એપ્રિલે બંગાળમાં ફરી એકવાર આગ લાગી, એ સ્થળ હતું હુગલી જિલ્લાનું રિષડા શહેર.આ ઘટનાઓ બાદ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે ’ બંગાળના લોકો ક્યારેય હિંસા કરતા નથી. ભાજપ તોફાનો કરાવવા માટે બહારથી લોકોને લાવી રહી છે. ગુનેગારોને લાવીને હિંસા કરાવવામાં આવી રહી છે. ટીવી પર પણ જોયું છે. બંદૂક સાથે બેઠક કરી રહ્યા છે, સરઘસમાં ડાન્સ કરી રહ્યા છે.’

મમતાના આ નિવેદનની તપાસ કરતા સામે આવ્યું છે કે પોલીસે હાવડાના શિબપુરમાં જે ૪૨ લોકોની ધરપકડ કરી છે, એ તમામ સ્થાનિક છે. ૧૯ વર્ષીય સુમિત સાવનો, જે હથિયાર લહેરાવતો વીડિયો વાઇરલ થયો, જેને બિહારના મુંગેરનો હોવાનું કહેવાઈ રહ્યું છે, તે પણ હાવડાના ગોલાબાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હલદર રોડ પર રહે છે. એ જ રીતે હુગલીના રિષડામાં કુલ ૭૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે તમામ રિષડા અને શ્રીરામપુરના રહેવાસી છે. ધરપકડ કરાયેલા ૭ આરોપીના જામીન માટે અરજી કરનાર એડવોકેટ મૃન્મય મજુમદારનું કહેવું છે કે ’પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તે તમામ લોકો સ્થાનિક છે. કેટલાક તો એવા પણ છે જેઓ હિંસા સ્થળે નહોતા છતાં તેમને પકડી લીધા. પોલીસે જે ૧૧૬ લોકોની ધરપકડ કરી છે, તેમાંથી ૮૩ હિંદુ અને બાકીના મુસ્લિમ છે. પોલીસ અધિકારીઓએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવાનો ઈનકાર કર્યો. તેમણે કહ્યું હતું કે હવે સીઆઇડી તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ મીડિયા સાથે માહિતી શેર કરવામાં આવશે.

રિષડામાં એક અઠવાડિયા પછી પણ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ વિસ્તારમાં માત્ર ઝોમેટો, એમેઝોન, લિપકાર્ડ જેવી કંપનીઓના ડિલિવરી બોય જોવા મળે છે. કેટલીક રિક્ષાઓ રસ્તા પર દોડતી જોવા મળે છે, જેમાં માત્ર એક-બે જ મુસાફરો હોય છે. સામાન્ય દિવસોમાં અહીં પબ્લિક વ્હીકલમાં જગ્યા નથી મળતી. છેલ્લા ૧૦ દિવસથી શાળાઓ બંધ છે. વાલીઓ બાળકોને બહાર મોકલવામાં ડરી રહ્યા છે.

૩૦થી વધુ લોકો સાથે વાત કરી, પરંતુ તમામે કેમેરા અથવા ઓન રેકોર્ડ કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો. દરેક વ્યક્તિને ડર છે કે નિવેદન પછી પોલીસ તેમને પકડી લેશે અથવા કોઈ દુશ્મનાવટ કરી શકે છે. ઘણું ફર્યા પછી મને રિક્ષામાં એક વ્યક્તિ મળી, જે વ્યવસાયે ડૉક્ટર છે અને ફૂટબોલમાં રાજ્ય સ્તરના ખેલાડી રહી ચૂક્યા છે. તેમણે નામ ન આપવાની શરતે કહ્યું, ’હું છેલ્લા ૫ દિવસથી મારું ક્લિનિક ખોલી શક્યો નથી. મેં ૬૦ વર્ષ પૂર્ણ કર્યા છે અને મારો પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી અહીં રહે છે, અમે આવો આતંક પહેલાં ક્યારેય જોયો નથી.’

દહેશત માત્ર રિષડામાં જ નહીં, પરંતુ શેરાફુલી, શ્રીરામપુર, કોનનગર, બાલીમાં પણ છે. આ તમામ વિસ્તારો રિષડાથી ૫થી ૬ કિમીની ત્રિજ્યામાં છે. કોનનગરમાં પણ કોઈ કેમેરા સામે આવવા તૈયાર નહોતું થયું. જોકે એક વાત ઘણા લોકોએ કહી કે અહીંની ડેમોગ્રાફી બદલાઈ રહી છે. હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના બહારના લોકો હવે અહીં સ્થાયી થઈ રહ્યા છે. તેમની વસતિ ઝડપથી વધી રહી છે. તેઓ બધા બિનબંગાળી છે.

રાજકીય નિષ્ણાત પ્રશાંત ભટ્ટાચાર્ય કહે છે, ’રામનવમીથી લઈને હનુમાનજયંતી સુધી અમે એને તહેવારોની જેમ ઊજવવાનો ટ્રેંડ જોઈ રહ્યા છીએ. એનું કારણ બંગાળમાં બહારથી આવેલા ભાજપના નેતાઓ છે. તૃણમૂલે પણ તેમના રસ્તે ચાલવાનું શરૂ કરી દીધું છે. ’ભાજપ બંગાળની નાડી સમજી શક્યું નથી. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ હિંદુત્વની ભાવનાને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે ભાજપ તેમના પર લઘુમતીનું સમર્થન કરવાનો આરોપ લગાવે છે, પરંતુ બંગાળમાં થયેલી હિંસા માટે આ કોઈ સ્પષ્ટતા ન હોઈ શકે.’