નવીદિલ્હી,M વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે એકલા ચાલોની નીતિ અપનાવી હતી અને ઈન્ડિયા ગઠબંધનના સાથી દળોને નજરઅંદાજ કર્યા હતા. પરંતુ ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો તો તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. ઈન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવવામાં આવી તો મમતા બેનર્જીએ નારાજગી વ્યક્ત કરી કે તેમને કોઈ જાણકારી નથી. ટીએમસીના કોઈ નેતા સામેલ ન થયા.
હવે ફરી ૧૯ ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠક છે. મમતા બેનર્જી આ બેઠકમાં સામેલ થશે પરંતુ બેઠકમાં સામેલ થયા બાદ બીજા દિવસે ૨૦ ડિસેમ્બરે તેઓ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરશે. પહેલા ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં સામેલ થવુ અને ત્યારબાદ ફરી પીએમ મોદી સાથે મુલાકાતને લઈને રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે.
મમતા બેનર્જીને પીએમ મોદીના ઘુર વિરોધી માનવામાં આવે છે. પરંતુ આ વિરોધ છતા તેમના પીએમ મોદી સાથે વ્યક્તિગત સંબંધો ઘણા સારા છે. બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે મુલાકાત થઈ હતી. જેને લઈને બંગાળ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત માકપા નેતાઓએ મમતા-મોદી વચ્ચે સેટિંગનો આક્ષેપ કર્યો હતો. મમતા બેનર્જીએ પણ પીએમ મોદી પર સીધી રીતે પ્રહાર કરવાનુ બંધ કરી દીધુ હતુ.પરંતુ મુસ્લિમ બહુલ સાગરદિધિ વિધાનસભા પેટાચૂંટણીમાં ટીએમસી ઉમેદવારની હાર બાદ મમતા બેનર્જીએ તેમની નીતિ બદલી અને ફરી ભાજપ પર પ્રહારો કરવાનુ શરૂ કર્યુ છે. આ તમામ ઘટના વચ્ચે ભાજપને ટક્કર આપવા બનેલા ઈન્ડિયા ગઠબંધનની પ્રમુખ સાથી દળ ટીએમસી ઉભરી આવી છે. તાજેતરમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ હવે ફરીથી ઈન્ડિયા ગઠબંધનને એકજૂથ કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
૫ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઈન્ડિયા ગઠબંધનની આ પહેલી બેઠક ૧૯ ડિસેમ્બરે નવી દિલ્હીમાં મળશે. આ બેઠકમાં મમતા બેનર્જી, નીતિશ કુમાર, રાહુલ ગાંધીથી લઈ તમામ પ્રમુખ પાર્ટીઓના નેતાઓ સામેલ થશે અને ભાજપને ટક્કર આપવા માટે રણનીતિ ઘડાશે.૧૯ ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં આગલા દિવસે સીએમ મમતા બેનર્જી પીએમ મોદી સાથે મુલાકાત કરશે. ટીએમસી તરફથી એવુ કહેવાયુ છે કે મમતા બેનર્જી બંગાળ માટેનુ બાકી રહેતા પેકેજની રકમની માગ મુદ્દે પીએમ મોદી સાથે મુલાકાત કરશે. જો બધુ યોજના મુજબ થશે તો પીએમ મોદી સાથેની એ બેઠકમાં તૃણમુલના કોંગ્રેસના સાંસદ અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી પણ મમતા સાથે રહેશે.
પીએમ મોદી ખુદ ૨૪ ડિસેમ્બરે બંગાળ પ્રવાસે જઈ રહ્યા છે. ત્યારે પીએમ મોદીના બંગાળ પ્રવાસ પહેલા મમતા બેનર્જી અને પીએમ મોદીની આ પહેલી મુલાકાત હશે. જે રાજકીય રીતે પણ ઘણી મહત્વની ગણાઈ રહી છે. આ પહેલા દિલ્હીમાં મમતા બેનર્જી અને પીએમ મોદીની મુલાકાતને લઈને વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે. માકપા (માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી)ના એક ટોચના નેતાના જણાવ્યા મુજબ બંગાળ સીપીઆઈ(એમ)ના એક ટોચના નેતા કહે છે કે આ મુદ્દો બંગાળના લેણાંનો હોઈ શકે છે, પરંતુ બે રાજકીય વ્યક્તિઓ વચ્ચેની બેઠક માત્ર વહીવટી બાબતો સુધી મર્યાદિત નથી. તેની રાજકીય અસરો પણ છે અને તેનો ખૂલાસો ભવિષ્યમાં જ થશે.