મામાએ નાના ભાણેજની હત્યા બાદ મોટા ભાણેજનું પણ કાસળ કાઢ્યું

ગારિયાધાર, ગારિયાધાર તાલુકાના ફાચરીયા ગામે ત્રણ દિવસ પૂર્વે ઝનૂની બનેલા મામાએ શૈતાનને પણ શરમાવે તે રીતે મોટા ભાણેજની ક્રુર રીતે હત્યા કર્યાની ચકચારી ઘટનામાં સસ્પેન્સ થ્રિલર સ્ટોરી જેવો હૃદયદ્વાવક વળાંક આવ્યો છે. પત્ની સાથે આડા સબંધ હોવાની શંકામાં નાના ભાણેજની હત્યા કર્યા બાદ હત્યારા શખ્સે મૃતક ભાણેજના મોટાભાઇ અને સંબંધમાં મોટા ભાણેજનું પણ કાસળ કાઢી જમીનમાં લાશ દાટી દીધાનો ચોંકાવનારી હકીક્ત બહાર આવી છે.

ભાણેજના ખૂનથી હાથ રંગનાર શખ્સની કબૂલાતના આધારે પોલીસે ફાચરિયા ગામની સીમમાં દાટેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમાર્ટમ માટે ભાવનગર હોસ્પિટલ ખસેડયો હતો.

સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચાવનારી ઘટનાની મળતી સઘળી હકીક્ત મુજબ ગારિયાધાર તાલુકાના ફાચરીયા ગામે રાજેન્દ્રભાઈ વાઘાણીની વાડીએ ખેતમજૂરી કામે આવેલો દશેરિયો ઉર્ફે દિલીપ કેરિયાભાઈ બામણિયા નામના શખ્સે ગત તા.૧૫-૫ના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે સાથે રહી મજૂરી કામ કરતા ભાણેજ જીણાભાઈ ઈદાભાઈ રાઠવા (રહે, મુળ દિવાન બંગલા, મેઈન બજાર, તા.જિ.છોટાઉદેપુર)ને તેની પત્ની સાથે આડાસબંધ હોવાની શંકા રાખી ઉગ્ર બોલાચાલી કરી લોખંડના પાઈપ અને ધોકા વડે જીણાભાઈને મોઢા, માથાના ભાગે માર મારી કરપીણ હત્યા કર્યા બાદ લાશને કપાસની સાઠીઓના ઢગલામાં છૂપાવી દીધી હતી.

મામી સાથે પ્રેમસબંધ હોવાની શંકામાં ખેલાયેલા ખૂની ખેલની ચકચાર ઘટના અંગે વાડીમાલિક રાજેન્દ્રભાઈ નાગજીભાઈ વાઘાણી (ઉ.વ.૫૧, રહે, ફાચરીયા)એ દશેરિયા ઉર્ફે દિલીપ અને મૃતકના મોટાભાઈ દીપકભાઈ રાઠવા સામે નોંધાવેલી ફરિયાદના આધારે ગારિયાધાર પીએસઆઈ એન.કે. વિંઝુડા અને સ્ટાફની ટીમે બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી ગઈકાલે શુક્રવારે મુખ્ય હત્યારા શખ્સ દેશરિયો ઉર્ફે દિલીપ કેરિયાભાઈ બામણિયાની ધરપકડ કરી ફરાર બીજા આરોપી અંગે પ્રાથમિક પૂછતાછ શરૂ કરી હતી.

જેમાં દેશરિયો ઉર્ફે દિલીપ બામણિયાએ એક નહીં પરંતુ બેવડી હત્યા કર્યાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. પ્રથમ દ્રષ્ટીએ પોલીસને ડબલ મર્ડરની વાત ગળે ઉતારી ન હતી. જેથી આગવીઢબે પૂછતાછનો દૌર આગળ લંબાવી હત્યારા શખ્સને ફાચરીયા ગામે અગાઉની હત્યાના બનાવ સ્થળથી તેણે વર્ણવેલી જગ્યાએ લઈ જઈ તપાસ કરી જમીનમાંથી માટી દૂર કરાવતા દીપકભાઈ ઈદાભાઈ રાઠવા (ઉ.વ.૨૩)નું ખૂન કરેલી લાશ જમીનમાં દાટેલી મળી આવી હતી. જેથી પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેમ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પંચનામુ સહિતની કાનૂની કાર્યવાહી કર્યા બાદ લાશનો કબજો લઈ ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.તો બીજી તરફ બે શંકાનું સમાધાન ઘરમેળે વાતચીતથી પણ થઈ શકે તેમ હતું.

તે વાતમાં બે-બે ભાણેજના ખૂનથી હાથ રંગનાર શખ્સની પોલીસે મોટા ભાણેજનું મર્ડર કરવા પાછળના કારણ અંગે પૂછતાછ કરતા હત્યારા દશેરિયા ઉર્ફે દિલીપે એવી કેફિયત આપી હતી કે, તેના નાનાભાઈનું ખૂનનો બદલો લેવા દીપકભાઈ રાઠવા તેનું પણ ઢીમ ઢાળી દેશે તેવો ડર હોવાથી તેણે મોટા ભાણેજને પાઈપ અને ધોકાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.