મલ્લિકાર્જુન ખડગેને જી ૨૦ ડિનર માટે ન અપાયું આમંત્રણ ,મમતા અને નીતીશકુમાર ભાગ લેશે

નવીદિલ્હી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પ્રમુખ દ્રૌપદી મુર્મુ દ્વારા જી ૨૦ ડિનર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. રાષ્ટ્રપતિ દ્વારા વિપક્ષી પાર્ટીઓના નેતાઓને ડિનરમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ૯ સપ્ટેમ્બરે આયોજિત રાત્રિભોજનમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે.

મલ્લિકાર્જુન ખડગેની ઓફિસે જણાવ્યું કે તેમને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. મલ્લિકાર્જુન ખડગે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. શનિવારે રાષ્ટ્રપતિ દ્વારા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનર દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે જી ૨૦ સમિટ માટે તૈયાર કરાયેલા ભારત મંડપમમાં યોજાશે. તે એક નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ હશે. જી 20 કોન્ફરન્સ માટે વિશેષ સચિવ મુક્તેશ પરદેશીએ જણાવ્યું કે સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિના જી૨૦ ભોજન સમારંભમાં હાજરી આપવા માટે મમતા બેનર્જી શનિવારે દિલ્હી આવશે. અધિકારીઓએ જણાવ્યું કે બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત લેશે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, જેમની સાથે બેનર્જીના સારા સંબંધો છે, તેઓ પણ રાષ્ટ્રપતિના ડિનરમાં હાજર રહી શકે છે. સાથે જ નીતીશ કુમાર પણ ડિનરમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે.