મલ્લિકાર્જુન ખડગેએ દુષ્કાળ અને પૂરથી પ્રભાવિત રાજ્યો માટે તાત્કાલિક કેન્દ્રીય સહાયની માંગ કરી

નવીદિલ્હી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે સંસદમાં કર્ણાટકમાં દુષ્કાળ અને તમિલનાડુ, કેરળ સહિત વિવિધ રાજ્યોમાં પૂર અને ભારે વરસાદને કારણે થયેલા નુક્સાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન, તેમણે અસરગ્રસ્ત રાજ્યો માટે કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક કેન્દ્રીય સહાયની માંગ કરી.કર્ણાટકમાં દુષ્કાળનો મુદ્દો ઉઠાવતા ખડગેએ કહ્યું કે કર્ણાટક હાલમાં છેલ્લા ૧૨૩ વર્ષમાં સૌથી ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. રાજ્યના કુલ ૨૨૬ તાલુકાઓમાંથી ૨૨૩ આ દુષ્કાળની પરિસ્થિતિથી પ્રભાવિત છે. તેમાંથી ૧૯૬ તાલુકાઓ દુષ્કાળથી ગંભીર રીતે પ્રભાવિત છે, જ્યારે બાકીના ૨૭ તાલુકાઓ સાધારણ અસરગ્રસ્ત છે. રાજ્યમાં પાકને ૪૦ ટકાથી ૯૦ ટકા સુધીનું નુક્સાન થયું છે. કુલ અંદાજિત નુક્સાન રૂ. ૩૫,૧૬૨.૦૫ કરોડ હોવાનો અંદાજ છે.

ખડગેએ કહ્યું કે કર્ણાટક લીલા દુષ્કાળના રૂપમાં એક નવા પડકારનો સામનો કરી રહ્યું છે, જ્યાં પાક પાકી ગયો છે પરંતુ ઉપજ નથી. આ ગંભીર પરિસ્થિતિના જવાબમાં, રાજ્ય સરકારે દ્ગડ્ઢઇહ્લ પાસેથી લગભગ ૧૮,૧૭૨ કરોડ રૂપિયાની સહાયની માંગ કરી છે. આ સહાય ઇનપુટ સહાય પૂરી પાડવા, રાહત પૂરી પાડવા અને અન્ય તાત્કાલિક દુષ્કાળ રાહત પગલાં અમલમાં મૂકવા માટે જરૂરી છે. વરસાદના અભાવે રાજ્યના અનેક જળાશયોમાં પાણી ચિંતાજનક સ્તરે છે. પાણીનો સંગ્રહ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. ભવિષ્યમાં રાજ્યમાં પશુઓ અને લોકો માટે પીવાના પાણીની અછત સર્જાવાની સંભાવના છે. આથી કેન્દ્ર સરકારે પરિસ્થિતિની ગંભીરતા સમજવી પડશે.

ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે મનરેગા હેઠળ, રાજ્યએ આ વર્ષ માટે તેના માનવ-દિવસ ઉત્પાદન લક્ષ્યના ૯૮.૧૫ ટકા પહેલાથી જ હાંસલ કરી લીધું છે. ગ્રામીણ વિસ્તારોમાં વધારાની રાહત માટે, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મનરેગા હેઠળ માનવ-દિવસ પૂરા પાડવા વિનંતી કરી છે. દિવસોની સંખ્યા ૧૦૦ થી વધારીને ૧૫૦ દિવસ કરવા પણ વિનંતી કરવામાં આવી છે. કર્ણાટક સરકારે રાજ્યના લોકોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવા માટે તેની રાજ્યની તિજોરીમાંથી વિવિધ રકમો બહાર પાડી છે. રાજ્યમાં ખેડૂતો અને લોકોને મદદ કરવા માટે સરકારે ઘણા નિર્ણયો લીધા છે.ખડગેએ કેન્દ્ર સરકારને કર્ણાટકમાં દુષ્કાળ અને તમિલનાડુ, કેરળ સહિત અન્ય ઘણા રાજ્યોમાં પૂર અને ભારે વરસાદને કારણે થયેલા નુક્સાનની તાત્કાલિક નોંધ લેવા વિનંતી કરી હતી. કેન્દ્ર સરકારે વચગાળાની રાહત અને સહાય સહિતની તમામ દરખાસ્તોને તાત્કાલિક અસરથી મંજૂર કરવી જોઈએ અને ટૂંક સમયમાં તમામ ભંડોળ બહાર પાડવું જોઈએ.