મલ્લિકાર્જુન ખડગેને જમીન ફાળવણી પર ભાજપે કર્ણાટક સરકારને ઘેરી, ભાજપે સાત પ્રશ્નો પૂછ્યા

મુડા કૌભાંડ બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પરિવારને જમીન ફાળવણીને લઈને ભાજપે ફરી એકવાર કર્ણાટક સરકારને ઘેરી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કર્ણાટકની કોંગ્રેસ સરકારને આ મામલે સાત પ્રશ્ર્નો પૂછ્યા છે. જ્યારે કોંગ્રેસે આનો વિરોધ કર્યો છે. શહેઝાદ પૂનાવાલાએ એકસ પર પોસ્ટ કર્યું કે કર્ણાટકમાં એક નવું ખડગે જમીન કૌભાંડ છે.

મલ્લિકાર્જુન ખડગેના પરિવારના એક ટ્રસ્ટને કર્ણાટક ઔદ્યોગિક વિકાસ બોર્ડ દ્વારા બેંગ્લોરમાં હાઈ-ટેક ડિફેન્સ એરોસ્પેસ પાર્કમાં પાંચ એકર જમીન આપવામાં આવી છે. જ્યારે આ જમીન એસસી ક્વોટા હેઠળ નાગરિક સુવિધાઓ માટે આરક્ષિત હતી. આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં મલ્લિકાર્જુન ખડગે, તેમની પત્ની રાધાબાઈ ખડગે, જમાઈ અને ગુલબર્ગાના સાંસદ રાધાકૃષ્ણ અને પુત્રો, પ્રિયંક ખડગે, કર્ણાટક સરકારમાં મંત્રીઓ અને રાહુલ ખડગેનો સમાવેશ થાય છે.

શહેઝાદ પૂનાવાલાએ કર્ણાટક સરકારને સાત પ્રશ્ર્નો પૂછ્યા. તેમણે પૂછ્યું કે શું આ સત્તાના દુરુપયોગ અને ભત્રીજાવાદ અને હિતોના ટકરાવનો મામલો છે? માર્ચ ૨૦૨૪માં ઉદ્યોગ મંત્રીએ આ ફાળવણી માટે કેવી રીતે સંમતિ આપી? ખડગે પરિવાર ક્યારે એરોસ્પેસ સાહસિક બન્યો અને જમીન માટે લાયક બન્યો? શું આ એસસી ઉદ્યોગસાહસિકો અને યુવાનો સાથે અન્યાય નથી, તેમને તેનો લાભ મળવો ન જોઈએ? મુડા કૌભાંડ બાદ વધુ એક ખુલ્લેઆમ લૂંટ, શું આ સત્તાનો દુરુપયોગ નથી? નેશનલ હાઈવે કૌભાંડના આરોપી રાહુલ ગાંધી આ અંગે કંઈ કહેશે કે પહેલાની જેમ મૌન રહેશે? શું આ સમગ્ર ખુલાસો કોંગ્રેસના કોઈ જૂથે કર્યો છે?

ભાજપના નેતા અમિત માલવિયાએ પણ આ અંગે કોંગ્રેસ પર નિશાન સાયું હતું. તેમણે લખ્યું કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમનો પરિવાર જમીન કૌભાંડમાં ફસાયેલો છે. તેમણે પૂછ્યું કે શું ખડગે પણ સિદ્ધારમૈયાની જેમ જમીન છોડી દેશે? શું આ ફાળવણીની તપાસ થશે? વાસ્તવમાં, બે દિવસ પહેલા ભાજપના નેતા લહર સિંહ સિરોયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ખડગેના પરિવારને જમીનની ફાળવણી પર સવાલ ઉઠાવ્યા હતા.

આ મામલાને લઈને ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. કારણ કે તેઓ એક રાષ્ટ્રીય પક્ષના પ્રમુખ છે અને તેમની નૈતિક જવાબદારી છે. તેમના પરિવાર પર કૌભાંડનો આરોપ છે. જ્યારે પ્રિયંક ખડગેને મંત્રી પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેણે પોતાના પદનો દુરુપયોગ પણ કર્યો છે. સીએમ સિદ્ધારમૈયાએ પણ રાજીનામું આપવું જોઈએ. મુડા કૌભાંડ હોય, વાલ્મિકી વિકાસ નિગમ કૌભાંડ હોય અને હવે આ ત્રીજું કૌભાંડ હોય, મુખ્યમંત્રીએ ખુરશી છોડી દેવી જોઈએ.

આ મામલે ઉદ્યોગ મંત્રી એમબી પાટીલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ખડગે દ્વારા સંચાલિત ટ્રસ્ટને એરોસ્પેસ પાર્કમાં નિયમો અનુસાર જમીન ફાળવવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન થયું નથી. રાહુલ ખડગે ફાળવેલ જમીન પર સંશોધન અને વિકાસ કેન્દ્ર ખોલવા માંગે છે. તે આઇઆઇટી ગ્રેજ્યુએટ છે. સિંગલ વિન્ડો કમિટીની ભલામણ બાદ તેમને આ પ્લોટ આપવામાં આવ્યો છે. કોઈ છૂટ આપવામાં આવી નથી. સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે ખડગેને જમીનની ફાળવણીમાં નિયમો અને યોગ્યતાનું પાલન કરવામાં આવ્યું છે. ચાણક્ય યુનિવસટીને જમીન આપવામાં ભાજપે નિયમોનું પાલન કર્યું નથી.