મલેશિયાના નવા સુલતાન ઈબ્રાહિમ ઈસ્કંદર બન્યા ,૩૦૦ લક્ઝરી કાર સહિત ૪૭ લાખ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક

કુઆલાલંપુર, મલેશિયાના જોહર રાજ્યના ઈબ્રાહિમ ઈસ્કંદર દેશના નવા સુલતાન બન્યા છે. તેમણે દેશના ૧૭મા સુલતાન તરીકે શપથ લીધા. તેઓ આગામી પાંચ વર્ષ સુધી દેશના સુલતાન રહેશે. તમને જણાવી દઈએ કે બ્રિટનથી આઝાદી મળ્યા બાદ ૧૯૫૭થી મલેશિયામાં દર પાંચ વર્ષે સુલતાન ચૂંટાય છે.શપથ સમારોહ પહેલા સુલતાન ઈસ્કંદર પ્રાઈવેટ જેટમાં કુઆલાલમ્પુર ગયા હતા. જો કે, દર વર્ષે તે લોકોને મળવા માટે મોટરસાયકલ પર તેમની યાત્રાઓ હાથ ધરતો હતો.

તમને જણાવી દઈએ કે સુલતાન ઈસ્કંદર શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના મોટા પુત્ર મલેશિયાના ક્રાઉન પ્રિન્સ ટુંકુ ઈસ્માઈલ પણ ભારતીય સેનામાં કેપ્ટન રહી ચુક્યા છે. સુલતાન ઈબ્રાહિમ ઈસ્કંદરની કુલ સંપત્તિ ૪૭.૩૩ લાખ કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે ૩૦૦ લક્ઝરી કાર પણ છે. કેટલાક અહેવાલો અનુસાર, સુલતાન પાસે એક ખાનગી સેના અને બોઇંગ ૭૩૭ સહિત કેટલાક ખાનગી જેટ પણ છે.

મલેશિયા ઉપરાંત સુલતાન ઈબ્રાહિમ ઈસ્કંદરની સિંગાપોરમાં પણ જમીન છે. આ જમીનની કિંમત લગભગ ચાર અબજ ડોલર હોવાનું કહેવાય છે. તેમાં ટાયર્સલ પાર્ક અને બોટેનિક ગાર્ડન્સ પણ છે. સુલતાન ઈબ્રાહિમ રિયલ એસ્ટેટ, માઈનિંગથી લઈને પામ ઓઈલ સુધીના બિઝનેસમાં પણ હિસ્સો ધરાવે છે. સુલતાનની પત્ની પણ શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

મલેશિયામાં દર પાંચ વર્ષે સુલતાન ચૂંટાય છે. આ દેશમાં કુલ ૧૩ રાજ્યો અને નવ રાજવી પરિવારો છે. રાજા બનવા માટે, એક ગુપ્ત મતદાન હોય છે, જેમાં બેલેટ પેપરનો ઉપયોગ થાય છે. બેલેટ પેપરમાં તે વ્યક્તિનું નામ હોય છે જે રાજા બનશે અને દરેક સુલતાને જણાવવું જરૂરી છે કે નામાંક્તિ વ્યક્તિ રાજા બનવા માટે સક્ષમ છે કે નહીં.