મલેકપુર રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ઝુંબેશ

  • મહીસાગર જીલ્લામાં 23મીથી આશરે 1.45 લાખ કરતા વધુ બાળકોને પોલિયોના ટીપાં અપાશે.
  • 1280 ટીમ દ્વારા મહીસાગર જીલ્લામાં ઘરે ઘરે જઈ પોલિયોના બે ટીપા પીવડાવાશે.

મલેકપુર, મહીસાગર જીલ્લામાં આગામી તારીખ 23 થી 25 જૂન-2024 દરમિયાન પોલીયો ઝુંબેશ યોજવામાં આવનાર છે. જીલ્લાના 0 થી 5 વર્ષના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે.

રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જીલ્લામાં તારીખ 23 થી 25 જૂન દરમિયાન પોલીયો ઝુંબેશ યોજાનાર છે. સમગ્ર આયોજન અંગે મહીસાગર જીલ્લા કલેકટર નેહાકુમારીના અધ્યક્ષસ્થાને સ્ટિયરિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ, આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિ-દિવસીય ઝુંબેશ દરમિયાન મહીસાગર જીલ્લાના કુલ 1.45 લાખ કરતા વધુ બાળકોને જીલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે.

જેમાં મહીસાગર જીલ્લામાં પ્રથમ દિવસે 640 બુથ પર પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે, તેમજ બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલ બાળકોને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, સી.એચ.ઓ., આશા બહેન તેમજ આશા ફેસિલેટર અને આઈ.સી.ડી.એસ.ના આંગણવાડી બહેનોની કુલ-1280 જેટલી ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવનાર હોવાનું મહીસાગર જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સી.આર.પટેલની યાદીમાં જણાવાયું છે. વધુમાં જીલ્લાકલેકટર અધ્યક્ષતામાં હેઠળ રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન મિશન-2047 અંતર્ગત 19 જૂન સિકલ સેલ દિવસ તરીકે ઊજવણી નિમિત્તે મહીસાગર જીલ્લામા તમામ હેલ્થ ફેસિલિટી ખાતે સિકલ સેલ સ્ક્રીનીંગ, નિદાન અને જનજાગૃતિ કાર્યક્ર્મ તથા મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવેલ છે.