મલેકપુર હાઉસ ટુ હાઉસ સર્વે : આરોગ્ય વિભાગ દ્વારા મહીસાગર જીલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની બે રાઉન્ડમાં કામગીરી હાથ ધરવામાં આવી

મલેકપુર, રાજ્ય સરકાર દ્વારા જનઆરોગ્યની સુખાકારી માટે વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવા માટે મળેલ સુચના અન્વયે મહીસાગર જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બે (2) રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવેલ હતું. આ ઘનિષ્ઠ સર્વેલન્સ દરમિયાન મેલેરીયાનો એકપણ કેસ મળી આવ્યો નથી. ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે પ્રથમ રાઉન્ડનો હાઉસ ટુ હાઉસ સરવે ગત તા.22 એપ્રિલ થી તા.2મે સુધી હાથ ધરવામાં આવેલ. જેમાં જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 204505 ઘરના સર્વેલન્સ પૈકી 7028 તાવના કેસ મળી આવ્યા હતા. જેના નિદાન પૈકી મેલેરીયાનો એકપણ કેસ જણાયો નથી. આ સમયગાળા દરમિયાન મચ્છર ઉત્પતિના 633097 સ્થાનોની તપાસણી હાથ ધરવામાં આવી જેમાં 3459 જગ્યાએ મચ્છરના પોરા જોવા મળ્યા હતા. મચ્છરના પોરાઓનો દવાથી અથવા પાત્રો ખાલી કરાવી નાશ કરવામાં આવ્યો હતો તથા બીજો રાઉન્ડ તા. 20/05/2024 થી 30/05/2024 સુધી હાથ ધરવામાં આવેલ જેમાં 190775 ઘરના સર્વેલન્સ પૈકી 6793 તાવના કેસ મળી આવ્યા હતા. જેના નિદાન પૈકી મેલેરીયાનો એકપણ કેસ જણાયો નથી. આ સમયગાળા દરમિયાન મચ્છર ઉત્પતિના 583600 સ્થાનોની તપાસણી હાથ ધરવામાં આવી. જેમાં 3160 જગ્યાએ મચ્છરના પોરા જોવા મળ્યા હતા. પોરા મળેલ પાત્રો સ્થળ પર નિકાલ કરવામાં આવેલ હતો.

વાહકજન્ય રોગો અટકાવવા જનજાગૃતિ કેળવાય તે માટે આરોગ્યકર્મીઓ દ્વારા જનસમુદાય ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું કે, ઘરની આજુબાજુ, ધાબા પર પાણીનો ભરવો ન થાય, પાણીના પાત્રો ઢાંકીને રાખવા, ટાંકા-ટાંકીઓ જેવા પાણી ભરેલ પાત્રો દર અઠવાડીએ નિયમિત સાફ રાખવા, આખી બાયના કપડા પહેરવા, મચ્છર અગરબતીનો ઉપયોગ કરવો અને શાળા તથા આંગણવાડીઓમાં પોરા નિદર્શન સહિતનું આરોગ્ય શિક્ષણ આપી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં મેલેરીયા વિરોધી જુન માસ તથા ડેન્ગ્યુ વિરોધી જુલાઇ માસ ઉજવણી અંતર્ગત જનજાગૃતિ માટે વિવિધ આરોગ્ય શિક્ષણની પ્રવૃતિઓ ધ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર પટેલના માર્ગદર્શન અને જરૂરી સુચના અન્વયે જીલ્લા મેલેરીયા અધિકારી ડો.અલ્પેશભાઈ ચૌધરી તથા જીલ્લા મેલેરિયા ટીમ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની મુલાકાત લઇ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, પોરાનાશક કામગીરી, દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ તથા આરોગ્ય શિક્ષણની કામગીરીનું નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.