માલજિવ્સ, ભારત સાથે વિવાદોમાં આવેલા ટાપુઓના દેશ માલદિવ્સમાં હાલ ભ્રષ્ટાચારને લઈને મોટો હોબાળો સામે આવ્યો છે. માલદિવ્સના વર્તમાન રાષ્ટ્રપતિ અને ચીનના લાડલા મોહમ્મદ મુઈજ્જુના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતી એક રિપોર્ટ લીક થઈ ગઈ છે. જેને કારણે વિપક્ષે આ મુદ્દે મોહમ્મદ મુઈજ્જુને બરાબરના ઘેરી લીધા છે તેમજ દેશની જનતા પણ સવાલો ઉઠાવવા લાગી છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર મોહમ્મદ મુઈજ્જુએ વર્ષ ૨૦૧૮થી આ ભ્રષ્ટાચાર કર્યો હતો, જેને પગલે હવે મુઈજ્જુના મહાભિયોગ એટલે કે પદ પરથી હટાવવાની કાર્યવાહી તેમજ ભ્રષ્ટાચારની તપાસની માગણી કરી છે. આ સમગ્ર વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે માલદિવ્સમાં રવિવારે મજલિસની ચૂંટણી યોજાવાની છે.
હાલ મુઈજ્જુની સત્તાધારી પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસ પીએનસી અને માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી એમડીપી બન્ને સામસામે આવી ગયા છે. વિપક્ષના નેતા હસન કુરુસી દ્વારા સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર ભ્રષ્ટાચાર અંગેનો ગુપ્ત રિપોર્ટ લીક કરવામાં આવ્યો હતો.
માલદિવ્સ મોનેટરી ઓથોરિટી અને ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં માલદિવ્સના વર્તમાન રાષ્ટ્રપતિ મુઈજ્જુના ભ્રષ્ટાચારનો પણ ખુલાસો થયો છે. આ રિપોર્ટ વર્ષ ૨૦૧૮ના સમયગાળાનો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગેરકાયદે નાણાને મુઈજ્જુના વ્યક્તિગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
નાણાકીય લેણદેણને છૂપાવવા માટે મોટા ઉદ્યોગપતિઓ સાથે મળીને મોટી ગેરરીતિને અંજામ આપ્યો હતો. આ રિપોર્ટ લીક થયા બાદ વિપક્ષે મુઈજ્જુ પર મહાભિયોગની કાર્યવાહી કરવાની માગણી કરી છે.