માલદીવને ફરી આપવામાં આવી મોટી આર્થિક મદદ, વિદેશ મંત્રી મુસા ઝમીરે ભારતની ઉદારતાની પ્રશંસા કરી

ભારતે માલદીવની સરકારને મોટી નાણાકીય સહાય આપતાં ફરી એકવાર પાંચ કરોડ ડોલરનું ટ્રેઝરી બિલ એક વર્ષ માટે લંબાવ્યું છે. માલદીવ સરકારની અપીલ પર ભારતે આ પગલું ભર્યું છે. માલદીવમાં ભારતીય હાઈ કમિશનરે ગુરુવારે આ માહિતી આપી. હાઈ કમિશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માલદીવ સરકારની અપીલ પર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ ટ્રેઝરી બિલ્સની પરિપક્વતા એક વર્ષ સુધી લંબાવી છે. અગાઉ તેમની પરિપક્વતા 19 સપ્ટેમ્બરે થવાની હતી.

નોંધનીય છે કે મે મહિનામાં પણ માલદીવ સરકારની વિશેષ વિનંતી પર પાંચ કરોડ ડોલરના ટ્રેઝરી બિલના પ્રથમ રોલઓવરને મંજૂરી આપવામાં આવી હતી. આમ, આ વર્ષે માલદીવમાં ભારત સરકારનું આ બીજું રોલઓવર છે. ભારતીય હાઈ કમિશને માલદીવને ભારતના મુખ્ય પાડોશી તરીકે અને ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું હતું. હાઈ કમિશને કહૃાું કે ભારતે માલદીવને તેની જરૂરિયાતના સમયે મદદ કરી છે અને ટ્રેઝરી બિલના રોલઓવરને એક વર્ષ સુધી લંબાવવું એ માલદીવના લોકો અને સરકાર માટે ભારતનું સતત સમર્થન દર્શાવે છે.

ભારતની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા, માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરનો આભાર વ્યક્ત કર્યો અને કહૃાું કે ભારત સરકારની જાહેરાત માલદીવ અને ભારત વચ્ચેના મિત્રતાના કાયમી બંધનને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટમાં આ ઉદાર હાવભાવ માલદીવ અને ભારત વચ્ચેના મિત્રતાના કાયમી બંધનને દર્શાવે છે.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ સત્તા સંભાળી ત્યારથી માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. તેમના શપથ ગ્રહણના થોડા સમય પછી, મુઇઝુએ માલદીવમાંથી ભારતીય સૈનિકોને પાછી ખેંચી લેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો કે, તાજેતરના સમયમાં મુઇઝુ સરકારનું વલણ નરમ પડ્યું છે અને તેણે ભારત સાથેના તેના વિવાદને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. મુઈઝુએ તાજેતરના સમયમાં ઘણી વખત ભારતની મુલાકાત લીધી છે. તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ માલદીવની મુલાકાતે ગયા હતા.