માલદીવ, માલદીવની સંસદમાં સત્તાધારી ગઠબંધન અને વિપક્ષી સાંસદો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ સત્રની કાર્યવાહીમાં વિક્ષેપ પડ્યો હતો. આ દરમિયાન સંસદમાં અફરાતફરી મચી ગઈ હતી.
અહેવાલો અનુસાર આ ઘટના રાષ્ટ્રપતિ મુઈઝુની કેબિનેટ માટે વોટિંગ પહેલા બની હતી. સંસદમાં મતદાન પહેલા પીપલ્સ નેશનલ કોંગ્રેસ અને પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સના સરકાર તરફી સાંસદો પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના નેતૃત્વની માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના વિરોધમાં સામ સામે આવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર માલદીવમાં વિપક્ષી પાર્ટીએ મુઈઝુની કેબિનેટના ચાર સભ્યોની મંજૂરી અટકાવી દીધી છે.
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એમડીપી સાંસદ ઈસા અને પીએનસી સાંસદ અબ્દુલ્લા શહીમ અબ્દુલ હકીમ ઝઘડતા જોઈ શકાય છે. વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે શહીમે ઈસાનો પગ પકડી લીધો હતો, જેના કારણે તે જમીન પર પડી ગયા હતા અને પછી ઈસાએ શહીમના ગળા પર લાત મારી હતી અને તેના વાળ ખેંચ્યા હતા. આ ઘટનામાં ઘાયલ સાંસદ શહીમને સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
સત્તાધારી પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ અને પીપલ્સ નેશનલ કોંગ્રેસ એલાયન્સે વિપક્ષના આ વલણ પર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે તેમણે કહ્યું કે, મંજૂરી આપવાનો ઈક્ધાર કરવો એ સરકારના કામકાજમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ છે.