મલાડની પ્રતિષ્ઠિત કૉલેજમાં વિદ્યાર્થીઓને ગુજરાતીમાં વાત કરવાની મનાઈ ફરમાવાઈ

મુંબઇ,

દેશની નવી શિક્ષણ નીતિની જ્યારે બાળકોને માતૃભાષાના માયમમાં ભણાવવાનો આગ્રહ કરે છે, ત્યારે હજી લોકોને અંગ્રેજી ભાષાનું ઘેલું છૂટ્યું નથી. તમે સાંભળ્યું હશે કે ઘણી ઇન્ટરનેશનલ સ્કૂલો બાળકોને અંગ્રેજીમાં બોલવાનું દબાણ કરે છે અને જો બાળક માતૃભાષામાં વાત કરે તો ફાઇન ભરવાનો વારો આવે છે. હવે આવી જ ઘટના મલાડની જાણીતી કૉલેજમાંથી સામે આવી છે.

મલાડની એક જાણીતી કૉલેજમાં આજે સવારે વિદ્યાર્થીઓને એક પ્રોફેસરે ગુજરાતીમાં વાત કરતાં અટકાવ્યા હતા અને હવે જો તેઓ ગુજરાતીમાં વાત કરશે તો તેમણે ૫૦ રૂપિયાનો દંડ ભરવો પડશે તેવી ચીમકી પણ આપી હતી. જોકે વિદ્યાર્થીઓએ સાથે આવી આ વાતનો વિરોધ નોંધાવ્યો હતો. ડિગ્રીના ક્લાસમાં આ ઘટના બની હતી.

તે સમયે ક્લાસમાં હાજર એક વિદ્યાર્થીએ નામ ન જણાવવાની શરતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “આજે લેક્ચર સમયે પ્રોફેસરે અમને ગ્રુપમાં એક દાખલો ઉકેલવા આપ્યો હતો. અમે જ્યારે તેને ઉકેલવા માટે ગુજરાતીમાં વાતચીત કરતાં હતાં, ત્યારે પ્રોફેસરે અમને ગુજરાતીમાં બોલવાની ઘસીને ના પાડી દીધી હતી અને કહ્યું કે હવે જો ગુજરાતીમાં વાતચીત કરીશું તો ૫૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.”

વિદ્યાર્થીએ ઉમેર્યું કે “ક્લાસના વિદ્યાર્થીઓએ આ ફતવાનો વિરોધ કર્યો હતો. ઉપરાંત અંગ્રેજી માયમમાં ભણેલા વિદ્યાર્થીઓએ પણ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. સારી બાબત એ રહી કે આ મામલો તુરંત જ શાંત થઈ ગયો હતો.” ઉલ્લેખનીય છે કે કૉલેજમાં આ પ્રકારની પ્રથમ ઘટના હોવાનું જણાય છે. અગાઉ વિદ્યાર્થીઓ સાથે આવું કંઈક બન્યું હોય તેવું સામે આવ્યું નથી.