મેક્સિકો,મેક્સિકોમાં એક હોટ-એર બલૂનમાં આગ લાગી હતી. જે બાદ બલૂનમાં સવાર ૩ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે છલાંગ મારી દીધી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા, જ્યારે એક બાળક આગમાં દાઝી ગયો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બલૂનમાં આગ લાગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મેક્સીકન સરકારે જણાવ્યું હતું કે આગમાં ૩૯ વર્ષીય મહિલા અને ૫૦ વર્ષીય પુરૂષનું મોત થયું છે. બાળક સેકન્ડ ડીગ્રી દાઝી ગયો છે. આ ઘટના ટીયાટિહઆકનના આર્કિયોલોજિકલ સાઈટની નજીક બની હતી. જો કે, ઘટના સમયે બલૂનમાં કેટલા લોકો સવાર હતા તે અંગેની માહિતી સામે આવી નથી.
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હોટ-એર બલૂન યાત્રીઓ સાથે ઉડાન ભરે છે. થોડા સમય પછી, તેના ગન્ડોલામાં આગ ફાટી નીકળે છે. આ પછી, તે લાંબા સમય સુધી હવામાં ઉડતું જોવા મળે છે. ટિયાટિહઆકન મેક્સિકોમાં એક ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળ છે. તે મેક્સિકો સિટીથી લગભગ ૭૦ કિમી દૂર છે. અહીં લોકો ઘણીવાર ૧૫૦ ડોલર (૧૨ હજાર ૩૨૭ રૂપિયા)માં બલૂન રાઈડ માટે જાય છે.
થોડા દિવસો પહેલા બ્રાઝિલમાં એક નાનું પેસેન્જર એરક્રાફ્ટને પેરાશૂટની મદદથી ક્રેશ થતા બચાવી લેવામાં આવ્યું હતું. આ સિંગલ એન્જિન એરક્રાફ્ટમાં ૬ મુસાફરો હતા. તે તમામ સુરક્ષિત રીતે લેન્ડ થયા હતા. જેમાં બે બાળકોનો પણ સામેલ હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વર્લ્ડ ડેલી ’ધ નેશનલ’ અનુસાર, આ એરક્રાટમાં નવી ટેક્નોલોજી ’સિરિસ એરફ્રેમ પેરાશૂટ સિસ્ટમ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.