રામોલમાં ૧૩ વર્ષની સગીરા સાથે મકાન માલિકે દુષ્કર્મ કરતા સગીરાને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા રામોલ પોલીસે હાલ સગીરા સાથે દુષ્કર્મ કરનાર ભાગેડુ ફોજીની ધરપકડ કરી છે. જેણે ૧૩ વર્ષની નિર્દોષ દીકરી સાથે દુષ્કર્મ આચરીને ચાર માસથી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાને ૪ માસનો ગર્ભ રહેતા આરોપીનો ભાંડો ફૂટી ગયો છે.
આ બનાવની માહિતી મુજબ રામોલ વિસ્તારમાં માતા સાથે ભાડેથી રહેતી ૧૩ વર્ષની સગીરા ઘરે એકલી હતી ત્યારે મકાન માલિક એવા આરોપી ભાગેડુ ફોજીએ સગીરાની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી સગીરાએ કોઈને જાણ કરી ન હતી. જેને કારણે આરોપીની હિંમત ખુલી હતી અને સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. જેના કારણે સગીરાને ૪ માસનો ગર્ભ રહી ગયો હતો.
દીકરી ગર્ભવતી હોવાની તેની માતાને જાણ થતાં આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે સગીરાની માતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ભાગેડુ ફૌજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ આર્મીમાં ફરજ બજાવતો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. તેની વિરુદ્ધ અગાઉ અમરાઈવાડી અને શાહીબાગમાં હત્યાનો ગુનો નોંધાઈ ચુક્યો છે અને જેલમાં સજા ભોગવી ચુક્યો છે.
આરોપીને બે દીકરીઓ છે અને આરોપીની પત્નીને આત્મહત્યા કરી લેતા મોત પણ થયું છે. જ્યારે ભોગ બનનાર સગીરા ઘણા વર્ષોથી પોતાની માતા સાથે આરોપીના મકાનમાં ભાડે રહેતી હતી.સગીરાને ડરાવીને ધમકાવીને આરોપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો. સગીરા જ્યારે ૪ માસ ગર્ભવતી થતા સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. રામોલ પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી મેડીકલી પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી છે.
સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાના કેસમાં રામોલ પોલીસે આરોપી અને સગીરાને મેડિકલ તપાસ શરુ કરાવી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીનો ગંભીર ગુનાહિત ઇતિહાસ છે. જેથી અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.