મજૂરો પાછા જઈ રહ્યા છે, સરકાર તેમના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવશે? :રાહુલ ગાંધી

દિલ્હીમાં લાગુ થયેલા 6 દિવસના લોકડાઉનના પગલે શ્રમિકોએ ફરી હિજરત શરુ કરી દીધી છે. ગઈકાલે રાતે દિલ્હીના મુખ્ય એસટી ડેપો પર વતન પાછા જવા માટે હજારો લોકોની ભીડ જોવા મળી હતી.

જેને લઈને રાહુલ ગાંધીએ ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, શ્રમિકો ફરી પલાયન કરી રહયા છે અને તેવામાં કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તેમના બેન્ક એકાઉન્ટમાં પૈસા આપવામાં આવે પણ કોરોના સંક્રમણ માટે લોકોને જવાબદાર ઠેરવનાર સરકાર લોકોને મદદ થઈ શકે તેવુ પગલુ ભરશે કે કેમ તે એક સવાલ છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે લોકડાઉન લાગુ કર્યુ ત્યારે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શ્રમિકોને અપીલ કરી હતી કે, તેઓ મારા પર ભરોસો રાખે અને દિલ્હીની બહાર જાય નહીં. જોકે આ અપીલની કોઈ અસર જોવા મળી નહોતી. લોકો બસમાં જગ્યા ના મળી તો બસોના છાપરા પર બેસીને મુસાફરી કરતા નજરે પડયા હતા.

માત્ર 6 દિવસનુ લોકડાઉનુ હોવા છતા ગયા વર્ષના લોકડાઉનથી ગભરાયેલા શ્રમિકો કોઈ જોખમ લેવા માંગતા નથી તેવુ ચિત્ર ગઈકાલે બસ સ્ટેશન પર ટોળા જોઈને ઉપસ્યુ હતુ.