- વહેલી સવારે ચાર વાગ્યાથી ખેડૂતો બાજરી વેચવા આવ્યા પરંતુ ગોડાઉનમાં મજૂરો ના હોવાથી કલાકો સુધી બેસી રહેવું પડ્યું.
- કલાકો સુધી ખેડૂતો ભૂખ્યા તરસ્યા ટ્રેક્ટર લઈ ઊભા રહેતાં રોષ ફેલાયો.
બાલાસિનોર, બાલાસિનોર ખાતે આવેલ સરકારી ગોડાઉનમાં ટેકાના ભાવે બાજરી વેચવા આવેલા ખેડૂતોને પારાવાર હાલાકીઓ ભોગવી પડી હતી. સોમવારે પરોઢે ચાર વાગ્યાથી ખેડૂતો બાજરી વેચવા આવી પહોંચ્યા હતા, પરંતુ મજૂરોના અભાવે કલાકો સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહેવું પડ્યું હતું. ખેડૂતોને પડેલી હાલાકીને કારણે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ટેકાના ભાવે બાજરીની ખરીદી ચાલી રહી છે ત્યારે બાલાસિનોર સરકારી ગોડાઉન ખાતે 10 થી વધુ ખેડૂતો ટ્રેક્ટરો લઈ સોમવારે પરોઢે ચાર વાગે બાજરી વેચવા આવી પહોંચ્યા હતા. પરંતુ સરકારી ગોડાઉનમાં મજૂરો ન હોવાથી ખેડૂતો પાસેથી બાજરી ખરીદવામાં આવી ન હતી. બપોર થઈ જવા સુધી ખેડૂતો પાસેથી બાજરી ખરીદવામાં ન આવતાં ખેડૂતો ભૂખ્યા અને તરસ્યા કલાકો સુધી ટ્રેક્ટર લઈને બેસી રહ્યા હતા. વારંવાર ગોડાઉન મેનેજર અને કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવા છતાં પણ મજૂરોના અભાવે ખેડૂતોની બાજરી ખરીદવામાં આવી ન હતી . આ અંગે ખેડૂત વિજય ચૌહાણ કહ્યું હતું કે એક તરફ વરસાદી માહોલ છે, એટલે ઝડપથી બાજરી વેચાઈ જાય તે માટે ખેડૂતો ટ્રેક્ટર લઈને આવી ગયા છે. પરંતુ મજૂરો ન હોવાથી ખરીદી કરવામાં આવતી નથી અને અમે પરેશાન થઈ ગયા છીએ. જ્યારે આ મુદ્દે બાલાસિનોર સરકારી ગોડાઉનના મેનેજરને પૂછતાં દરરોજ મજૂરો હોય છે, પરંતુ આજે જ નથી. તેવો જવાબ આપવામાં આવ્યો હતો. બપોર સુધી ખેડૂતો રાહ જોઈને બેઠા હતા અને ઝડપથી ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવામાં આવે તેવી માગણી કરી હતી. એક તરફ ખેડૂતોને બાજરીના ટેકાના ભાવ મળે તે માટે ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ અપૂરતી સુવિધાઓને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.