
- આપણે આપણી પોતાની ભૂલોને કારણે પાછળ રહી ગયા છીએ.
ઇસ્લામાબાદ, વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, ભારત આગળ વધી ગયું છે પરંતુ આપણે આપણી પોતાની ભૂલોને કારણે પાછળ રહી ગયા છીએ. પેશાવરમાં ગવર્નર હાઉસ ખાતે પીએમ યુવા લેપટોપ યોજનાના વિતરણ સમારોહમાં જણાવ્યું હતું કે, અમે આનંદથી આઇએમએફ કાર્યક્રમ પસંદ કર્યો નથી અને તેના બદલે આમ કરવું અમારી મજબૂરી હતી. દેવા અને ભીખમાંથી મુક્તિ મેળવવા માટે આપણે આપણા પગ પર ઊભા રહેવું પડશે.
શાહબાઝે કહ્યું કે, પાકિસ્તાનને મંગળવારે સાઉદી અરેબિયા પાસેથી ૨ અબજ ડોલરની રકમ મળી છે. એટલા માટે તેણે સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો આભાર માન્યો. તેમણે સાઉદી અરેબિયા પાસેથી આ પૈસા મેળવવા માટે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની પણ પ્રશંસા કરી હતી. જોકે શાહબાઝે એમ પણ કહ્યું કે, આ જીવવાની રીત નથી. તેમણે કહ્યું કે, જેમણે પાકિસ્તાનના નિર્માણ માટે પોતાનો જીવ આપ્યો છે તેઓ વર્તમાન પરિસ્થિતિમાં તેમની કબરોમાં છે.
પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે, આ આપણા માટે વિચારવાની તક છે. દેશના લોકોએ આનો વિચાર કરવો જોઈએ. દેશને પાટા પર લાવવાનો આ સમય છે. તેમણે પાકિસ્તાની યુવાનોને ખાતરી આપી હતી કે, દેશની સંસ્થાઓ, પ્રાંતો અને સંઘીય સરકારે કૃષિ, માહિતી ટેકનોલોજી અને ખનિજોને પ્રોત્સાહન આપવા અને નિકાસ વધારવા માટે એક વ્યાપક યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, ભારત આગળ વધી ગયું છે પરંતુ આપણે આપણી પોતાની ભૂલોને કારણે પાછળ રહી ગયા છીએ.
શાહબાઝ શરીફે કહ્યું કે, આજે આપણે નક્કી કરવાનું છે કે, ઈમાનદારીથી જીવવું કે ભીખ માંગીને. તેમણે કહ્યું કે, તેમની સરકાર કૃષિ અને ઉદ્યોગોમાં ક્રાંતિ લાવવા માંગે છે અને કિંમતોને નિયંત્રણમાં લાવવા માંગે છે. આ અમારા મુખ્ય પડકારો છે. વડાપ્રધાન શાહબાઝે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન દેશમાં વિદ્યાર્થીઓને ૧,૦૦,૦૦૦ લેપટોપનું વિતરણ કરવામાં આવશે અને તે સંપૂર્ણ રીતે મેરિટના આધારે હશે. માત્ર યોગ્યતા જ આ દેશને બચાવી શકે છે. ભ્રષ્ટાચારે ભરડો લીધો છે અને તેનો અંત લાવવાનું કામ યુવાનોનું છે.