હિંસાગ્રસ્ત મણિપુરમાંથી આસામ રાઈફલ્સને હટાવવાની માંગ વધી રહી છે. આ માંગના સમર્થનમાં કેટલાક વિરોધીઓએ વિવિધ વિસ્તારોમાં અસહકાર આંદોલન શરૂ કર્યું છે. પોતાને મેઈતેઈ સંગઠન તરીકે ઓળખાવતા એક મહિલા સંગઠને પહાડી જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની સંસ્થાઓને તાળાં મારવાનું શરૂ કર્યું છે. તેમની એક જ માંગ કરી છે કે જવાનોને પાછા બોલાવી દો. દેખાવકારોના એક જૂથે ઇમ્ફાલ પૂર્વમાં અકામપત ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (એનઆઈઈએલટીઆઈ)ને બંધ કરાવ્યું હતું. અગાઉ, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ઇરોઇસેમ્બા ખાતેના કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય (સીએયુ) કેમ્પસને તાળું મારી દેવામાં આવ્યું હતું.
બીજી તરફ મેઈતેઈ સમુદાયનું નેતૃત્વ કરતી કમિટી કોકોમીનું કહેવું છે કે તેઓ કોઈ પણ આંદોલનને સમર્થન નથી આપતાં. કોકોમી નેતા કિરણકુમારે જણાવ્યું હતું કે મણિપુરમાંથી આસામ રાઈફલ્સને હટાવવાની અમારી માંગ યથાવત્ છે. પરંતુ અમે કેન્દ્રીય સંસ્થાઓને તાળાંબંધી કરવાના આ આંદોલનને સમર્થન આપતા નથી. ગયા શુક્રવારે મેઈતેઈ સમુદાય દ્વારા દેખાવો કરાયા હતા જેમાં બે લોકોનાં મોતને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો છે. તેથી કેટલાક સ્થાનિક લોકોએ આસામ રાઈફલ્સના વિરોધમાં કેન્દ્રીય સંસ્થાઓને બંધ કરાઈ હતી. જેમાં મેઈરા પાઈબીસ અથવા અમારી કોકોમી સાથે સંબંધિત કોઈ સંસ્થાનો સમાવેશ થતો નથી.
અમે સ્થાનિક સ્વયંસેવકોને આગ્રહ કર્યો છે કે ભારત સરકારની કેન્દ્રીય સંસ્થાઓ જે બંધ થઈ ગઈ છે તેને ફરીથી ખોલવામાં આવે. જ્યાં સુધી મેઈરા પાઈબીસનો સવાલ છે, તે અમારી સંસ્થા સાથે છે. અમારી પાસે તે ઘટનાના વીડિયો ફૂટેજ છે જેમાં પલેલમાં બે લોકોની હત્યા કરવામાં આવી હતી.
સ્થાનિક મેઈરા પાઈબીસના નેતા ટી. નિવેદિતા દેવીએ કહ્યું કે આસામ રાઈફલ્સને પરત બોલાવી દો. એટલે જ સંસ્થાઓમાં તાળાબંદી કરાઈ રહી છે. આરોપ લગાવ્યો કે જવાનોએ અત્યાચારની હદ વટાવી દીધી છે. હિંસાની આગને શાંત કરવાને બદલે જવાનો તેને ભડકાવી રહ્યા છે.
આસામ રાઈફલ્સના એક ટોચના અધિકારીએ નામ ન આપતાં જણાવ્યું હતું કે, વિરોધીઓનું આ પ્રકારનું વલણ રાજ્યમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને અવરોધશે. પક્ષપાતના આક્ષેપો પાયાવિહોણા છે. અમારા માટે દરેક નાગરિકની સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે.
મ્યાનમારના 7000થી વધુ ચિન-કુકી ઘૂસણખોરોએ ચુરાચંદપુર, કાંગપોકપી, તેંગનોપલ અને કાકચિંગના પર્વતો પર ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો છે. સૂત્રોનું કહેવું છે કે આ ઘૂસણખોરોએ 3000 હેક્ટરથી વધુ જમીન પર દબાણ કર્યું છે. આ જમીનનો ઉપયોગ અફીણની ખેતી માટે કરવામાં આવે છે. મેઈતેઈ આ સ્થળોએ જઈ શકતા નથી. જમીન કબજે કરવા માટે ઉગ્રવાદી જૂથોને મદદ મળી રહી છે. કબજો મેળવવા માટે ઘૂસણખોરોએ 10 હજારથી વધુ દુર્લભ વૃક્ષો અને વન પેદાશોનો નાશ કર્યો છે.