મૈનપુરીમાં વહુઓ વચ્ચે જામશે જંગ? ડિમ્પલ સામે બીજેપી અપર્ણા યાદવ પર દાવ લગાવી શકે છે


લખનૌ,
સમાજવાદી પાર્ટીએ મૈનપુરી લોક્સભા સીટની પેટાચૂંટણી માટે સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ ડિમ્પલ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં આ બેઠક પર ભાજપના દાવની રાહ જોવાઈ રહી છે, પરંતુ આ દરમિયાન એવી અટકળો ચાલી રહી છે કે રાજ્યમાં સત્તાધારી પક્ષ યાદવ પરિવારની અન્ય એક પુત્રવધૂ અપર્ણા યાદવને ઉમેદવાર જાહેર કરી શકે છે.

અપર્ણા યાદવ અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ ચૌધરીની બેઠક પરથી આ અટકળો શરુ થઈ છે. એક તસવીર સામે આવી છે, જેમાં ભાજપના બંને નેતાઓ જોવા મળી રહ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મૈનપુરી સીટ પર ભાજપ અપર્ણા પર વિશ્વાસ મૂકી શકે છે. વર્ષ ૨૦૨૨માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલા જ અપર્ણા ભાજપમાં જોડાઈ ગયા હતા. જોકે, પાર્ટીમાં તેમનો ચૂંટણી પદાર્પણ હજુ બાકી છે. યુપીની મૈનપુરી સીટ સપાનો ગઢ માનવામાં આવે છે. મુલાયમ સિંહ પ્રથમ વખત વર્ષ ૧૯૯૬માં અહીંથી ચૂંટાયા હતા. આ પછી ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૯માં પણ અહીંથી જીત્યા હતા.