મૈનપુરી લોક્સભા પેટાચૂંટણીમાં સપાએ ડિમ્પલ યાદવને ઉમેદવાર બનાવ્યા

લખનૌ,
સમાજવાદી પાર્ટીએ મૈનપુરી લોક્સભા પેટાચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની અને પૂર્વ સાંસદ ડિમ્પલ યાદવ ચૂંટણી લડશે. આ સીટ મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. મૈનપુરી સીટ પર યાદવ પરિવારનો વર્ષોથી કબ્જો છે.મુલાયમ સિંહ યાદવની રાજકીય વિરાસતને હવે ડિમ્પલ યાદવ સંભાળશે.

૪૪ વષય ડિમ્પલ યાદવે પોતાની પ્રથમ ચૂંટણી ૨૦૦૯માં લડી હતી, જ્યારે અખિલેશ યાદવે ફિરોઝાબાદ સીટ છોડી હતી. આ પેટાચૂંટણીમાં ડિમ્પલ યાદવને પ્રખ્યાત અભિનેતા અને રાજનેતા રાજ બબ્બરના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૨માં કન્નૌજ લોક્સભા સીટ પર પેટાચૂંટણી થઈ હતી, જેમાં ડિમ્પલ યાદવે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
ત્યાર બાદ ૨૦૧૪ની લોક્સભા ચૂંટણીમાં પણ ડિમ્પલ યાદવે કન્નૌજથી ચૂંટણી લડી હતી અને જીતી ગયા હતા, પણ ૨૦૧૯માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના સુબ્રત પાઠકે ડિમ્પલને યાદવને ૧૦ હજાર મતથી હરાવ્યા હતા. હવે અખિલેશ યાદવે ડિમ્પલને મૈનપુરીથી ચૂંટણી લડાવી રહ્યા છે. આ સીટ પર ૧૯૯૬થી સપા જીતતું આવ્યું છે.