મુંબઇ, વિશ્ર્વના સૌથી અમીર ક્રિકેટ બોડ બીસીસીઆઇએ ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટરની નિમણૂક કરી છે. આ પદ માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરની પસંદગી કરવામાં આવી છે. અગરકર ટીમ ઈન્ડિયામાં ઘણા લાંબા સમય સુધી રમ્યા હતા અને વનડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં ભારતના આધારભૂત બોલર સાબિત થયા હતા. હવે તેમને ચીફ સિલકેટરનું નવું પદ મળ્યું છે.
બીસીસીઆઇના ચીફ સિલેક્ટર બન્યા બાદ અગરકરની પહેલી અને સૌથી મોટી જવાબદારી એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવાની રહેશે. આ સાથે જ ટીમ સિલેક્શનમાં સંતુલન જાળવી તટસ્થ નિર્ણય લઈ દરેક ફોર્મેટ અને દરેક લેવલ પર ભારતીય ક્રિકેટના હિતમાં નિર્ણય લેવાનું રહેશે.
ચીફ સિલેક્ટરનું પદ લાંબા સમયથી ખાલી પડયું હતું, જેના પર હવે મોહર લાગી ગઈ છે. પૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માના વિવાદ અને બાદમાં ચીફ સિલેક્ટરની સેલરીને લઈ અનેક અફવાઓના કારણે આ પદને લઈ સતત ચર્ચાઓ ચાલી હતી. એવા પણ અહેવાલ હતા કે પસંદગીકારના ઓછા પગારને કારણે કોઈ મોટો ખેલાડી આ પદ માટે અરજી કરવા માંગતો નથી.
એવું પણ જાણવા મળ્યું હતું કે વીરેન્દ્ર સેહવાગે ઓછા પગારને કારણે મુખ્ય પસંદગીકાર બનવાની ઓફર ઠુકરાવી દીધી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ દ્વારા મુખ્ય પસંદગીકારની સેલરીમાં વધારો કરવામાં આવ્યો છે.
બીસીસીઆઇના ચીફ સિલેક્ટર તરીકે અજીત અગરકરની નિમણૂક થયા બાદ હવે તેની સેલરીને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.બીસીસીઆઇ મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરને વાર્ષિક એક કરોડ રૂપિયા સેલરી આપશે. બાકીના પસંદગીકારોના પગારમાં પણ બીસીસીઆઇ તરફથી વધારો કરવામાં આવ્યો છે.