નવીદિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી ૧૨ જાન્યુઆરીએ કરશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ આ કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક પર સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા સંશોધન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેની પેનલમાં દેશના મુખ્ય ન્યાયાધીશને સામેલ કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ચૂંટણીમાં પારદર્શિતા લાવવા માટે મુખ્ય ન્યાયાધીશને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક પેનલમાં સામેલ કરવામાં આવે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની પેનલમાં વડાપ્રધાન, લોક્સભામાં વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કેન્દ્ર સરકારે નવો કાયદો લાવીને સીજેઆઇને હટાવીને પીએમ દ્વારા નામાંક્તિ કેબિનેટ મંત્રી બનાવ્યા.