મહુવા નજીક ટ્રકમાં પ્લાસ્ટીકના કચરાની આડમાં છુપાવીને લઇ જવાતો ૨.૩૨ લાખનો વિદેશી દારૂ પકડાયો

ભાવનગર, ભાવનગર જિલ્લાના મહુવા નજીક બાયપાસ હાઈવે પર પ્લાસ્ટિકના કચરાની આડમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરેલા અશોક લેલેન્ડ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી એલસીબી પોલીસે રૂ. ૯,૩૨,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

એલ.સી.બી. પોલીસ સ્ટાફ મહુવા નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહુવા બાયપાસ રોડ ઉમણીયાવદર જવાના રસ્તા પાસે વોચમાં રહીને બાયપાસ હાઈવે પરથી પસાર થઈ રહેલ અશોક લેલેન્ડ કંપનીના ટ્રક નં.જી.જે.૩૨-ટી-૯૯૦૫ ને અટકાવીને ટ્રકની અંદર તપાસ કરતા પ્લાસ્ટિકના કચરાની આડમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી ૧૬૫૪ બોટલ તેમજ બિયરના ટીન નંગ ૪૮ મળી આવ્યા હતા.

એલસીબી પોલીસે રૂ.૨,૩૨,૬૦૦ ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો તેમજ અશોક લેલેન્ડ ટ્રક મળી કુલ રૂ.૯,૩૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક નાગજી માધાભાઈ સાંખટ ( રહે. વિક્ટર નેસડા વિસ્તાર, રાજુલા ) ની ધરપકડ કરી હતી.

આ શખ્સની પૂછપરછ કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સંજય કરશનભાઈ સોલંકીના કહેવાથી સેલવાસ ખાતેથી તેના કોઈ જાણીતા એ ભરી આપેલો હતો અને દારૂના જથ્થો સંજય સોલંકી ( રહે. ઠસિયા કુંડળ ) ને પહોંચાડવાનો હોવાનું જણાવતા એલ.સી.બી. એ બંને વિરૂદ્ધ મહુવા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.