મહુવાના ક્તપરમાં લગ્ન પ્રસંગે સ્પ્રે ઉડાડવા બાબતે બબાલ, ૫ લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર, ભાવનગરના મહુવામાં ક્તપર ગામે લગ્ન પ્રસંગમાં મારામારીની ઘટના બની છે. ક્તપર ગામે બે પક્ષના વરઘોડા સામસામે આવી જતા માથાકૂટ સર્જાઇ હતી. વરઘોડામાં સ્પ્રે ઉડાડવા જેવી સામાન્ય બાબતને લઇ માથાકૂટ ઉગ્ર બની જતા મારામારી થઇ હતી. જો કે બંને પક્ષ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતા ૫ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત તમામ લોકોને મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ મહત્વનું છે કે, આજના સમયમાં સામાન્ય બાબતે લોકો પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખીને મારામારી પર ઉતરી આવે છે. અને તેમાં અનિચ્છનીય બનાવો ઘટી જતા હોય છે. લોકોને જાણે કાયદાનો ભય રહ્યો જ નથી તેમ લાગે છે. વ્યક્તિ ઉગ્ર થઇને કાયદા-કાનૂન પોતાના હાથમા લઇ લે છે. પરંતુ આવા બનાવોનો અંત નુક્સાન જ હોય છે.

તો બીજી તરફ આ અગાઉ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે જૂથ અથડામણ થયુ હતું . બે જૂથ વચ્ચે જમીન બાબતે માથાકુટ ઉગ્ર બની હતી. અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો કલ્યાણપુર સહિત જિલ્લા એલસીબી અને અન્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવી હતી. તો ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, હાલ તો સમગ્ર બનાવને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.

થોડા દિવસો અગાઉ જૂનાગઢના બિલખાના થુંબાળા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ તો પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.