
સામાન્ય રીતે કોઈ ઊલટી કરે તો કોઈને પણ ચીતરી ચડે. મોઢું બગાડે. એ જગ્યાએથી દૂર જતા રહે, પરંતુ દરિયાની એક માછલી એવી છે, જેની ઊલટી કોઈને પણ માલામાલ કરી દે અને એ માછલી એટલે એમ્બરગ્રીસ, જેની ઊલટીથી લોકો લાખો રૂપિયા કમાય છે. ભાવનગરના મહુવામાં આ જ માછલીની ઊલટી સાથે બે આરોપી ઝડપાયા છે.
મહુવા ASP અંશુલ જૈન અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે રેડ કરતાં શહેરમાંથી પ્રતિબંધિત કીમતી વ્હેલ માછલીની ઊલટીનો 12 કિલોનો મસમોટો જથ્થો, જેની અંદાજિત કિંમત 12 કરોડ રૂપિયા થાય છે, જેને પકડી પાડવામાં આવ્યો હતો.
મહુવા શહેરના ગાયત્રી મંદિરની સામે આવેલા ભવાનીનગર પાસે આવેલા ‘શ્રી ચામુંડા ડાયવર્કસ’ નામના કારખાનામાંથી આ જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ASP અંશુલ જૈનની ટીમે અને ફોરેસ્ટ વિભાગ તેમજ એફએસએલ ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાની વધુ જાણકારી માટે પોલીસ તેમજ વન વિભાગ ટીમ દ્વારા સઘન તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીઓને આ જથ્થો મહુવા નજીકના પિંગલેશ્વરના દરિયાકિનારેથી મળ્યો હતો.
પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 12 કિલો જેટલો વ્હેલ માછલીની ઊલટીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની માર્કેટમાં અંદાજિત કિંમત 12 કરોડ રૂપિયા જેવી થાય છે. ઉલ્લેખનીય છે કે આ રેડ દરમિયાન જયદીપભાઇ મગનભાઇ શિયાળ (ઉં.વ. 22) અને રામજીભાઇ રાહાભાઇ શિયાળ (ઉં.વ-56)ની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપી હીરાના કારખાનામાં હીરા ઘસવાની ડાય બનાવવાનું કામ કરતા હતા.

તમને જણાવી દઇએ કે આ કીમતી માછલીને ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરવામાં આવી હતી. આ માછલી જેની જાળમાં આવે છે તે માછીમાર માલામાલ બની જાય છે. ગુજરાતના દરિયો આવી માછલીના ખજાનાથી ભરેલો છે. ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે. રૂપિયા 5 હજાર કરોડથી વધુનાં મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું 17 ટકા જેટલું યોગદાન છે. છેલ્લાં 9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં ‘બ્લૂ ઇકોનોમી’નું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
હવે એ પણ સમજી લઈએ આખરે આ માછલીની ઊલટી આટલી કીમતી કેમ? તો માછલીની આ ઊલટીનો ઉપયોગ દવાઓ તેમજ કોસ્મેટિક આઈટમ્સ બનાવવામાં થતો હોય છે. આ માછલી અનેક ગુણોથી ભરપૂર છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ, આયોડિન, આયર્ન, મેગ્નેશિયમ, ફ્લોરાઈડ, DHA, EPA સહિતના અનેક પોષકતત્ત્વો એમાં હોય છે. ખાસ કરીને દવા બનાવવામાં અને કોસ્મેટિક બનાવવામાં ઉપયોગ થતો હોવાથી એની કિંમત વધી જાય છે. આ માછલી આંખ માટે સારી હોવા ઉપરાંત ઉંમર વધવાની સાથે શરીરમાં થતા ફેરફારોની પ્રક્રિયાને ધીમી પાડે છે, એટલે કે બ્રેઈનસેલ્સને ડેવલપ કરે છે. એની પાંખોમાંથી શરીરના આંતરિક ભાગોમાં ટાંકા લેવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટીચ બને છે. આ માછલી 1 મીટરની સરેરાશ લંબાઈ ધરાવે છે અને આઠ વર્ષ જેટલું જીવે છે.
લાંબી દેખાતી આ માછલીની કિંમત પણ ઘણી સારી છે. આ 1 માછલીની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે. એનાથી ઘણી વાનગીઓ તૈયાર કરવામાં તો આવે જ છે. આ ઉપરાંત એનો ઉપયોગ બિયર અને વાઈન બનાવવામાં પણ થાય છે. આટલું જ નહીં, એમાં જે એર બ્લેડર મળે છે, એનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. એનું માંસ અને એર બ્લેડર અલગ-અલગ વેચાય છે, એર બ્લેડરની મુંબઈથી નિકાસ કરવામાં આવે છે.