
મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાંથી ૧૩૦ કિલો સોનુ ગાયબ થવા ઉપરાંત, કરોડો રૂપિયાની ખુદ કાર્યકારી ટ્રસ્ટીઓ સહિતના લોકો દ્વારા ઉચાપતના ગંભીર આક્ષેપો કરતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ફગાવી દીધી હતી.
હાઈકોર્ટની ખંડપીઠે કહ્યુ કે, આ મેટર ચેરિટી કમિશ્ર્નરની છે, ત્યાં અરજી કરો. અરજદારે જણાવ્યું હતું કે, ચેરીટી કમિશનર સમક્ષ અરજી પેન્ડિંગ છે. જેથી હાઈકોર્ટે કહ્યું હતું કે, તો ચેરિટી કમિશનર પેરેલલ કોર્ટ તપાસના આદેશ ના આપી શકે. પોલીસમાં ફરિયાદ આપી હોય અને પોલીસ તપાસ ના કરે તો તેના માટે કાયદાકીય પગલા લઇ શકાય છે. બીજી તરફ ભુપેન્દ્ર વોરાએ અરજદાર જયેશ મહેતા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
અરજદાર જયેશ મહેતાએ હાઈકોર્ટમાં કરેલી જાહેરહિતની રિટ અરજીમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, ગાંધીનગરમાં આવેલુ મહુડી મંદિર ૧૦૦ વર્ષ કરતા પણ વધુ જૂનું અને લોક આસ્થા ધરાવતું છે. આ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા ૧૩૦ કિલો સોનું અને ૧૪ કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. અગાઉ કમલેશ મહેતાએ ૨૦૧૯માં રાજીનામું આપીને ભૂલોનો સ્વીકાર કર્યો હતો. ભ્રષ્ટાચાર અંગે માણસા પોલીસ મથકે અરજીઓ પણ અપાઈ હતી. મહુડી મેનેજમેન્ટના સભ્યો ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાના ભ્રષ્ટાચાર સામે સરકાર તપાસ કમિટી નીમવી જોઈએ.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ નોટબંધીના સમયે ટ્રસ્ટના સભ્યોએ ૨૦ ટકા કમિશનથી લોકોને નોટો બદલી આપી હતી. એકાઉન્ટમાં પણ ગોટાળા કરવામાં આવ્યા છે. મહુડી મંદિર મેનેજમેન્ટમાં અંદરોઅંદર રાજકારણ ચાલી રહ્યું છે. કાયદા વિભાગના સચિવને પણ મહુડી ટ્રસ્ટના ભ્રષ્ટાચાર અંગે જાણ કરાઈ હતી. વધુમાં જણાવ્યું છે કે, આદર્શ કો-ઓપરેટિવ સોસાયટીના કૌભાંડી મુકેશ મોદીના નાણાથી મહુડી બેક્ધ એકાઉન્ટ દ્વારા ૬૫ કિલો સોનું ખરીદાયું હતું.