લુણાવાડા, સમગ્ર રાજયમાં પુલની કામગીરીમાં ગુણવત્તાને લઈ ઉઠી રહેલા સવાલો વચ્ચે મહિસાગર નદી પર હાડોડ ગામ પાસે ગત વર્ષે રૂ.18 કરોડના ખર્ચે લોકાર્પણ થયેલ હાઈલેવલ પુલના પાયામાં ધોવાણ થયુ હોય તેવુ જોવા મળતા પુલની સલામતીને લઈ લોકોમાં ચિંતા જોવા મળી હતી. અને સમારકામની માંગ સાથે કામગીરીની ગુણવત્તાને લઈ સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડાથી ધોરીડુંગરી વચ્ચે મહિસાગર નદી પર હાડોડ ગામ પાસે વિશ્ર્વ બેંક યોજના હેઠળ રૂ.18 કરોડના ખર્ચે નિર્માણ થયેલ હાઈલેવલ પુલની તત્કાલિન માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીએ ઈ-લોકાર્પણ ગત વર્ષે કર્યુ હતુ. પ્રથમ ચોમાસામાં જ મહી નદીમાં પાણી છોડવામાં આવતા પુલના બંને તરફ બનાવેલા 200 મીટરના એપ્રોચમાં ભારે ધોવાણ થતાં જુના પુલને ટુંક સમય માટે કાર્યરત કરી પુલને 10 દિવસથી વધુ સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા તજજ્ઞો દ્વારા ચકાસણી કરીને પુલ ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં પુલના પાયામાં પણ ધોવાણ થયુ હોય તેવુ જોવા મળતા પુલની સલામતીને લઈ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.