મહારાષ્ટ્ર : રાયગઢના 103 ગામો પર તોળાઈ રહ્યું છે ભૂસ્ખલનનું સંકટ, 2005માં સરકારને સોંપાયો હતો સર્વે રિપોર્ટ

મહારાષ્ટ્ર ના રાયગઢ જિલ્લાના 100થી વધુ ગામો ઉપર ભૂસ્ખલન(Landslide)નું જોખમ છે. આ સાથે જ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે જિલ્લામાં પૂર દરમિયાન મહાડ શહેરમાં કેટલાક સ્થળોએ પાણીની સપાટી 25 ફૂટ સુધી વધી ગઈ છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ઘણા મકાનો ડુબી ગયા છે.કેટલીક બિલ્ડીંગ એક માળ સુધી ડુબી ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પહેલા ક્યારેય આવું જોવા મળ્યું નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તે પહેલા પણ પૂર આવ્યું છે, પરંતુ પાણીનું સ્તર ક્યારેય 12 ફુટથી આગળ વધ્યું ન હતું.ગયા અઠવાડિયે 24 કલાક સતત વરસાદ વરસ્યો હતો, જેમાં સતારા જિલ્લાના મહાબળેશ્વર હિલ સ્ટેશનમાં 530 મીમી, મહાડમાં 383 મીમી અને પોલાદપુર શહેરમાં 575 મીમી વરસાદ વરસ્યો હતો, આને કારણે દરિયાકાંઠાના કોંકણ વિસ્તારમાં આવેલા રાયગઢ જીલ્લામાં પૂર આવ્યુ હતું.

103 ગામોમાં ભૂસ્ખલનનું જોખમ

મહાડના વરિષ્ઠ નાગરિકો અને વ્યાપારીઓએ મુંબઈ-ગોવા માર્ગ પર બનેલા નવા પુલને પૂર માટે જવાબદાર ગણાવ્યો હતો અને વધુમાં ઉમેર્યું હતું કે આ પુલને કારણે વરસાદના પાણીને નીકળવાનો માર્ગ મળ્યો નથી. તેને લઈ પાણી ભરાયું છે. રાયગઢ જિલ્લા અધિકારી નિધિ ચૌધરીની ઓફિસેથી મળેલી સત્તાવાર માહિતી મુજબ જિલ્લાના 103 ગામોમાં ભૂસ્ખલનનું જોખમ છે.

તલિયે ગામમાં નિપજ્યા 95 લોકોના મોત

છેલ્લા અઠવાડીયે તલિયે ગામમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 95 લોકોના મોત નીપજ્યા હતા. 2005માં ભૂસ્ખલનની આશંકાવાળા ગામોમાં રહેતા લોકો માટે પુન:ર્વસનની એક યોજના રાજ્ય સરકાર પાસે રજુ કરવામાં આવી હતી. પરંતુ આ યોજના ક્યારેય શરૂ થઈ જ નહીં. આપને જણાવી દઈએ કે 2005માં જ ભારતના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે એક અહેવાલ રજુ કર્યો હતો.આ અહેવાલમાં રાયગઢ જીલ્લાના એવા 100 ગામોનો ઉલ્લેખ હતો, જેના ઉપર ભૂસ્ખલનનું જોખમ તોળાઈ રહ્યું હતું. આ અહેવાલ મળ્યા બાદ પણ સરકાર ઉંઘતી ઝડપાઈ હતી તેમજ આ અહેવાલ પ્રત્યે સદંતર બેદરકાર રહી હતી અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી.