
- જળમાર્ગના સહારે મતદાન કરાવવા મકક્મ મહિસાગર ચુંટણીતંત્ર
મહિસાગર, મહિસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાઠડા બેટ પર મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે અને તેઓને મત આપવા માટે દુર જવું ન પડે. ચુંટણી કામગીરી સોંપાયેલ જિલ્લાનો તમામ સ્ટાફ બોટ દ્વારા આ બેટ સુધી પહોંચ્યો અને મતદાન માટે જરુરી તમામ સામગ્રી જેવી કે ઈવીએમ મશીન, ડોકટરી કીટ, સ્ટાફ માટે જરુરી વસ્તુઓ, મતદાન મથકની ભૌતિક જરુરીયાતો વગેરે બોટ મારફતે સુરક્ષા સાથે પહોંચાડવામાં આવી. અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લાની મહીસાગર નદી પર આવેલા કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો આ એક અનોખો બેટ છે. આ બેટ પર 387 પુરૂષ અને 351 સ્ત્રી મળી લગભગ 738 મતદારો છે, જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. આ બેટની ભૌગોલિક સ્થિતી એવી છે કે ત્યાં જવા માટે કોઈ રોડ કે રસ્તો બનાવી શકાય તેમ નથી, ત્યાં જવા માટે માત્ર એક જ ઉપાય જળમાર્ગ છે, જેમાંથી બોટના સહારે સામાન્ય સ્થિતીમાં અવર જવર કરી શકાય.
મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવેલ છે. બેટ પરની શાળાનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. મતદાન માટે રિટર્નિંગ ઓફિસર દ્વારા તમામ અખઋ (જરુરી તમામ સામાન્ય સુવિધા) ની ખાતરી કરવામાં આવે છે. સર્વસમાવેશક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત અને મહિસાગર જિલ્લા ચુંટણીતંત્રના પ્રયાસનું આ ઉત્તમ ઉદાહરણ છે.