- જીલ્લામાં ચુંટણી પ્રકિયામાં રોકાયેલા કુલ 7013 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.
લુણાવાડા,લોકસભા સામાન્ય ચુંટણી 7મી મે 2024ના રોજ યોજાનાર છે ત્યારે પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું અને ખુબ જ મહત્વનું યોગદાન છે. એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. જેના અનુસંધાને મહીસાગર જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શનમાં જીલ્લામાં લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર એમ ત્રણ વિધાનસભા મત વિભાગ મુજબ તૈયાર કરાયેલા મતદાન સુવિધા કેન્દ્ર ખાતે પોલીંગ સ્ટાફની બીજી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડા વાઈબ્રન્ટ વેવ્સ ખાતે ઉભા કરાયેલ મતદાન સુવિધા કેન્દ્ર ખાતે જીલ્લા કલેકટર નેહાકુમારીએ પોલીંગ સ્ટાફની તાલીમ તેમજ પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લઇ જરૂરી વ્યવસ્થા ચકાસી સંતોષ વ્યક્ત કર્યો હતો.
મહીસાગર જીલ્લામાં 18 પંચમહાલ લોકસભામાં સમાવિષ્ટ બાલાસિનોર વિધાનસભામાં 2071, લુણાવાડા વિધાનસભામાં 2813 તથા 19 દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભામાં 2129 આમ કુલ 7013 મતદાન પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં માટે આયોજન કરવામાં આવ્યું છે.