મહિસાગરની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 42.52% મતદાન:બાલાસિનોરમાં સૌથી વધુ 48.69% ટકા વોટીંગ,સંતરામપુર 45.8%,લુણાવાડા 27.26%

મહીસાગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે. જિલ્લાની ત્રણ મહત્વપૂર્ણ નગરપાલિકાઓ – લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર તેમજ ખાનપુર તાલુકાની ખાલી પડેલી કનોડ તાલુકા પંચાયત બેઠક માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

ચૂંટણી પ્રક્રિયાને સુરક્ષિત અને નિષ્પક્ષ બનાવવા માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મતદાન મથકો પર એસઆરપી (સ્પેશિયલ રિઝર્વ પોલીસ) સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદાન મથકોની આસપાસ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.

કલેક્ટર નેહા કુમારીએ મતદાન કર્યું

મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું. નેહા કુમારી લુણાવાડાના વોર્ડ નંબર 1ના કિસાન માધ્યમિક હાઈસ્કૂલ ખાતેના મતદાન બૂથ પર પહોંચી અને મતદાન કર્યું, સાથે જ દરેક નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરી.

બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણી

બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ મોટી સફળતા મળી છે. જ્યારે કોંગ્રેસે એક બેઠક પર સફળતા મળી છે.નગરપાલિકાના વોર્ડ નંબર 3 અને 4માં ભાજપના તમામ ઉમેદવારો તથા વોર્ડ નંબર 6માં કોંગ્રેસના એક ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. નગરપાલિકાની કુલ 28 બેઠક માટે 47 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં ભાજપના 8, કોંગ્રેસના 19, બસપાના 8, એઆઈએમઆઈએમના 4, આમ આદમી પાર્ટીના 3, સમાજવાદી પાર્ટીના 1 અને 2 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

વોર્ડ નંબર 3માં ભાજપના દીપીકાબેન કેયુરકુમાર પટેલ, કૈલાશબેન અશોકકુમાર રાજ, અલ્કેશકુમાર ઓછવભાઈ પ્રજાપતિ અને રૂપેશકુમાર શાંતિલાલ પ્રજાપતિ બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 4માં જાનકી પ્રતિકકુમાર શાહ, ગાયત્રીબેન જયકુમાર ત્રિવેદી, રાકેશકુમાર રાજેન્દ્રકુમાર વાળંદ અને કિશનકુમાર હરેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસના ખાતામાં વોર્ડ નંબર 6માં એક ઉમેદવાર નિલોફરબાનું ફરિદમિયા શેખ બિનહરીફ જાહેર થયા છે. આમ, કુલ 9 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે, જેમાં ભાજપના 8 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે.

સંતરામપુર નગરપાલિકાની ચૂંટણી

સંતરામપુર નગરપાલિકામાં રસાકસી ભર્યો જંગ જામશે, જેમાં કુલ 6 વોર્ડની 24 બેઠક માટે 66 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં ભાજપના 23, કોંગ્રેસના 24, આમ આદમી પાર્ટીના 3 અને 16 અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં નોંધપાત્ર બાબત એ છે કે, અપક્ષ ઉમેદવારોની સંખ્યા પણ મોટી છે, જે ચૂંટણીને વધુ રસપ્રદ બનાવશે. બીજા વોર્ડમાં સૌથી વધુ 5 અપક્ષ ઉમેદવારો છે, જ્યારે પાંચમા વોર્ડમાં માત્ર 1 અપક્ષ ઉમેદવાર છે.

લુણાવાડા નગરપાલિકાની ચૂંટણી

લુણાવાડા નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠક માટે 70 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. મુખ્ય રાજકીય પક્ષોમાં કોંગ્રેસે તમામ 28 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે ભાજપે 20 બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી (બસપા)એ 3 અને આમ આદમી પાર્ટી (આપ)એ 2 બેઠક પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે, 17 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, જે ચૂંટણીને વધુ રસપ્રદ બનાવશે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળશે, જ્યારે અપક્ષ ઉમેદવારો ચૂંટણીના સમીકરણો બદલી શકે છે. નગરપાલિકાની આ ચૂંટણી સ્થાનિક વિકાસ અને શહેરી સુશાસન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.