મહીસાગરની શાળામાં ભાડૂતી શિક્ષિકા ઝડપાઈ:આચાર્યએ કહ્યું- SMCની મંજૂરીથી ફ્રીમાં સેવા આપતી હતી; અધ્યક્ષનો ખુલાસો- ‘આવો કોઈ ઠરાવ નથી થયો’

મહીસાગર જિલ્લાના લુણાવાડાની તણછિયા પ્રાથમિક શાળામાંથી ભાડૂતી શિક્ષિકા ઝડપાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં શાળામાં શિક્ષકની જગ્યાએ ગામના જ એક બેન શાળામાં આવીને બાળકોને શિક્ષણ આપતાં હોવાની ઘટના સામે આવી છે. એને લઈને શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે આ બહેન SMCની મંજૂરીથી ફ્રીમાં સેવા આપતા હતા, જોકે SMCના અધ્યક્ષે આ મામલે ખુલાસો કરતાં કહ્યું હતું કે આવો કોઈ ઠરાવ થયો જ નથી.

20 બાળકની શાળામાં બે શિક્ષક ફરજ બજાવે લુણાવાડા તાલુકાની તણછિયા પ્રાથમિક શાળા, જ્યાં શિક્ષકની જગ્યાએ ગામનાં એક બેન શાળામાં બાળકોને અભ્યાસ કરાવતાં હતાં. ત્યારે આ સમગ્ર ઘટના મીડિયાના માધ્યમથી બહાર આવતાં દિવ્ય ભાસ્કર ટીમ તણછિયા પ્રાથમિક શાળા ખાતે પહોંચી હતી, જ્યાં આજે બે શિક્ષક હાજર હતા. અહીં 1થી 5 ધોરણની શાળા છે, જેમાં કુલ 20 જેટલાં બાળક અભ્યાસ કરે છે અને બે શિક્ષક ફરજ બજાવે છે, જેમાં મુકેશભાઈ પટેલ મુખ્ય શિક્ષક તેમજ આચાર્ય છે, જ્યારે બીજા શિક્ષક ગૌરવભાઈ પટેલ છે. આ બન્ને શિક્ષક અહીં ફરજ બજાવે છે, જોકે શિક્ષક મુકેશભાઈની જગ્યાએ એક બેન અહીં બાળકોને ભણાવવા આવતાં હોવાની વિગત સામે આવી હતી.

આચાર્ય અને શિક્ષક એવા મુકેશભાઈ પટેલને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મારા પર થયેલા આરોપ ખોટા છે. અહીં બેન 20થી 25 દિવસથી ભણાવવા આવતાં હતાં. તેમનું નામ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમનું નામ જીનલબેન પટેલ છે અને આ ગામનાં જ છે. SMCની સૂચના હતી કે તેમને ઈચ્છા છે, તેમને માનદ્ સેવા આપવી હોય તો એન્ટ્રી આપવામાં શું વાંધો છે એ ફિક્સ ટાઇમ નહિ આવી શકે, પણ સેવા આપશે. મેં કહ્યું, સરકારના નિયમ વિરુદ્ધ છે છતાં તેમને કાયમ આવવું નથી, તેઓ થોડા સમય માટે આવવાનાં છે એટલે SMCની સૂચનાને માન આપી મેં કહ્યું, ભલે તેમને અનુકૂળતા આવે તો મને વાંધો નથી. વધુમાં તેમણે એ પણ કહ્યું, એ વિશે મારે સરકારમાં, તાલુકા અને જિલ્લામાં જાણ કરવાની જ હતી.

આપ હાજર નહોતા રહેતા અને આપની જગ્યાએ આ બેન અહીં ભણાવતાં હતાં, એ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે એ આપ તપાસ કરી શકો છો. અત્યારે લોકેશન સિસ્ટમ થઈ ચૂકી છે અને લોકેશન પરથી જ ખબર પડી જાય છે. સત્યની તપાસ થવી જોઈએ. આપ તપાસ કરી શકો છો. SMCમાં આવો કોઈ ઠરાવ થયો હોવા અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે એ બધું પ્રૂફ સાથે તમે કહેતા હોય તો હું રજૂ કરીશ.

SMC અધ્યક્ષ પટેલિયા ગીરીશભાઈએ જણાવ્યું હતું કે, SMC એ કોઈ મંજૂરી નથી આપી. એવો કોઈ ઠરાવ પણ થયો નથી અને અમે સહી પણ કરી નથી. સાહેબ રેગ્યુલર આવે છે. સવારે આવે છે મારું ઘર પહેલું જ છે એટલે હું જોવું છું. સાહેબ આવે છે સ્કૂલમાં પછી હું મારી રીતે દુકાને જતો રહું છું.

રાજેશ પટેલ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી લુણાવાડાએ જણાવ્યું હતું કે તણછિયા શાળાની મીડિયાના માધ્યમથી મને કાલે જાણ થઈ છે. એ બાબતે હું તપાસ કરીશ અને એનો ચોક્કસ રિપોર્ટ કરીશ. આ બાબતે મારી પાસે કોઈ રજૂઆત નથી આવી. ખાલી મેં કાલે મીડિયાના માધ્યમથી જાણ્યું છે, એટલે હું એની તપાસ કરીશ. આ કક્ષાએથી આ બેનને કોઈ મંજૂરી આપેલી નથી. આ બાબતે મને કોઈ પ્રકારે જાણ કરેલી નથી. અમે તપાસ કરીશું, સાચી મેટર જાણીશું, પછી એનો જવાબ કરીએ. તપાસનો આદેશ આવે એટલે અમે નિષ્પક્ષ સચોટ કારણ જાણી અમે એની તપાસ કરીશું.

જીનલબેન પટેલે જણાવ્યું હતું કે મેં બી.એ, એમ.એ.નો અભ્યાસ કરેલો છે અને મારે બી.એડ.માં એડમિશન લેવાનું હતું, એ માટે છોકરાને ભણાવવા જતી હતી. પ્રિન્સિપાલ રોજ શાળામાં આવતા હતા. પગાર નહોતી લેતી, ખાલી બાળકોને ભણાવવા માટે જતી હતી. બાળકોને ભણાવવામાં મને ઇન્ટરેસ્ટ હતો એટલે જતી હતી. છેલ્લા 20થી 25 દિવસથી હું ભણાવવા જતી હતી. હું ગધનપુર ગામની છું. સ્કૂલ નજીકમાં છે. સરપંચે ભલામણ કરી હતી અને SMCના કહેવાથી ગઈ હતી.