મહીસાગર જિલ્લામાં ૬૦ પ્લસ અને ૪૫ વર્ષથી વધુની વયના ૧.૩૭ લાખ ઉપરાંતના નાગરિકોને કોરોના વિરોધી વેક્સીન અપાઇ

લુણાવાડા,
વૈશ્ર્વિક મહામારી કોરોનાને એક વર્ષ કરતા વધુ સમય થયો છે. ત્યારે આ મહામારીને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન કાર્યરત કરવામાં આવેલ છે. કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઇન વર્કરને કોરોના પ્રતિરોધક રસી આપ્યા બાદ મહીસાગર જિલ્લામાં ૬૦ પ્લસ અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ખાસ ઝુંબેશના ભાગ‚પે રસીકરણની કામગીરી જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ આગળ ધપી રહી છે

ત્યારે ૬ એપ્રિલ સુધીમાં બાલાસિનોર તાલુકામાં ૨૧૦૭૭,સંતરામપુર તાલુકામાં ૩૧૮૧૭, લુણાવાડા તાલુકામાં ૩૬૭૯૨, ખાનપુર તાલુકામાં ૧૪૯૯૦, કડાણા તાલુકામાં ૧૬૧૨૩ અને વિરપુર તાલુકામાં ૧૬૫૯૩ મળી જિલ્લાના કુલ ૧,૩૭,૩૯૨ જેટલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો દ્રારા કોરોના વેક્સીનેશન કરાવી. કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકાવા માટે નાગરિકોમાં પણ હવે સ્વયંભૂ જાગૃતિ આવી હોવાનું જોવા મળી રહ્યું હતું.

જીલ્લા કલેકટર આર. બી. બારડે જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં જેમણે વેકસીન લીધી છે. તેઓએ તેમની આસપાસના દસ વ્યકિતને સમજાવી અને બીજા દસ જણાને વેકસીન અપાવવા સહયોગ કરે જેથી વધુમાં વધુ વ્યકિતઓ સમજે અને ખૂબ પ્રમાણમાં વેકસીનેશન થાય અને આ મહામારી કાબુમાં આવી શકે તે માટે અપીલ કરી હતી. સાથે સાથે વેકસીન લીધા પછી પણ કાળજી એટલી જ રાખવાની છે. જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જાહેર ભીડવાળી જગ્યા ઉપર જવું નહીં, સેનીટાઇઝ કરવું, જયાં-ત્યાં થુંકવુ નહીં અને ખૂબજ કાળજી રાખી આ રોગની ગંભીરતાને સમજી આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવા તમામ સહયોગ કરશે તેવી આશા વ્યકત કરી હતી.